મુંબઈ જીતવા એકનાથ શિંદે એકશન મોડમાં: ૨૧ સભ્યોની પેનલની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકરણમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે આ બંને પિતરાઈભાઈઓ ફરી એક થવાની ચર્ચાએ જોર પકડયું છે અને તેને કારણે મુંબઈના રાજકરણમાં સમીકરણો બદલાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે શિંદેની શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવી દેવા માટે હવે ૨૧ સભ્યોની કાર્યકારી સમિતિની જાહેરાત કરી છે.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં મુંબઈ મહાનગરપાલિકા માટે સ્વતંત્ર ૨૧ લોકોની કાર્યકારી સમિતીની જાહેરાત કરવામાં આવી છે.
આપણ વાંચો: ભાજપના સર્વેથી શિંદે જૂથમાં ચિંતા મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ થવાના સંકેત?
આ સમિતીના માધ્યમથી ચૂંટણીના તમામ મહત્ત્વના નિર્ણય, પ્રચાર, મતદાર સુધી પહોંચવા માટે અનેક ઉપક્રમ અમલમાં મૂકવામાં આવવાના છે. શિવસેનાની આ કાર્યકારી સમિતીમાં પક્ષન પ્રમુખ નેતા, સાંસદ, ભૂતપૂર્વ સાંસદ, વિધાનસભ્ય, ભૂતપૂર્વ વિધાનસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકામાં ફરી સત્તા મેળવવા માટે ભાજપ અને શિવસેના તરફથી જોરદાર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કૉંગ્રેસ સહિત રાષ્ટ્રવાદી (શરદ પવાર) કૉંગ્રેસ પણ પોતાની તમામ તાકાત લગાવવાની તૈયારી કરી રહી છે. એવામાં ઉદ્ધવ અને રાજ ઠાકરેની યુતી થશે કે નહીં તે બાબતે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.
છતાં એ પહેલા જ શિંદે ગ્રૂપની શિવસેનાએ સમય બરબાદ નહીં કરતા ૨૧ લોકોની ટીમ ઊભી કરીને પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
આપણ વાંચો: આગામી મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એકલા ચાલોની નીતિ!
આ ૨૧ સભ્યોમાં એકનાથ શિંદે મુખ્ય નેતા તરીકે હશે તો રામદાસ કદમ, ગજાનન કીર્તિકર, આનંદરાવ અડસૂળ, મીનાતાઈ કાંબળે જેવા વરિષ્ઠ નેતાઓની સાથે જ સાંસદ શ્રીકાંત શિંદે, રવિન્દ્ર વાયકર, મિલિંદ દેવરા અને ભૂતપૂર્વ સાંસદ રાહુલ શેવાળે, સંજય નિરુપમ હશે.
એ સિવાય વિધાનસભ્ય પ્રકાશ સુર્વે, અશોક પાટીલ, મુરજી પટેલ, દિલીપ લાંડે, તુકારામ કાતે, મંગેશ કુડાળકર અને મનિષા કાયંદેનો સમાવેશ થાય છે. સમિતીમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય સદા સરવણકર, યામિની જાધવ, દીપક સાવંત અને શિશિર શિંદે પણ હશે.
મુંબઈ મહાનગરપાલિકા એશિયાની સૌથી શ્રીમંત અને પ્રભાવશાળી મહાનગરપાલિકા માનવામાં આવે છે. તેનું ૨૦૨૫-૨૬નું આર્થિક બજેટ ૭૪,૪૨૪ કરોડ રૂપિયા હતું.