મહાયુતિની 45 બેઠક જીતવાની આગાહીઃ MVAને શિંદે-ફડણવીસ-પવારની રણનીતિનો સામનો કરવો પડશે
મુંબઈ : ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં ‘અબકી બાર 400 પાર’નો નારો આપ્યો છે. મહાયુતિએ મહારાષ્ટ્રમાં 45+નો નારો પણ આપ્યો છે. હવે મહાયુતિ આ લક્ષ્યાંક હાંસલ કરી શકે છે, એવો અંદાજ છે કે મહાયુતિ 45 સીટ જીતી શકે છે, એવી એક મીડિયાના ઓપિનિયન પોલમાં આ આગાહી કરવામાં આવી હતી.
ઓપિનિયન પોલમાં બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને દેશમાં 377 અને મહારાષ્ટ્રમાં 45 બેઠક જીતવાની આગાહી કરવામાં આવી છે. એવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે કે INDIA આઘાડી દેશમાં 93 અને મહારાષ્ટ્રમાં માત્ર ત્રણ સીટો જીતી શકે છે.
ભાજપે દેશમાં 370 અને NDAએ 400+ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. મહારાષ્ટ્રમાં કુલ 45 સીટોને ટાર્ગેટ કરવામાં આવી છે. આ ટાર્ગેટને પૂરો કરવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 23 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ભાજપે પોતાના અધિકારની 23 બેઠક ફરીથી કબજે કરવા માટે ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરી છે. રસપ્રદ વાત એ છે કે આ ચૂંટણી નિરીક્ષકોમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાંથી ઘણા દિગ્ગજ નેતાઓના નામની ચર્ચા થઈ રહી છે. આમાં ગિરીશ મહાજન, પંકજા મુંડે અને સુધીર મુનગંટીવારના નામો મુખ્ય છે અને હવે રાજ્યની 23 લોકસભા બેઠકો માટે ચૂંટણી નિરીક્ષકોની જાહેરાત કરવામાં આવી છે. પંકજા મુંડેને ઉત્તર મુંબઈની જવાબદારી, ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજનને ઉત્તર પૂર્વની અને વન મંત્રી સુધીર મુનગંટીવારને બીડ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
હાલમાં, રાજ્યમાં મહાયુતિમાં ભાજપની સાથે શિવસેના અને એનસીપીનો સમાવેશ થાય છે. શિંદેએ 17થી 18 બેઠકો પર દાવો કર્યો છે. અજિત પવારે આગ્રહ કર્યો છે કે અમને શિંદે જેટલી જ બેઠકો મળવી જોઈએ. આથી આ બધાનો ચોક્કસ ઉકેલ કેવો નીકળે છે તે જોવું અગત્યનું રહેશે. પરંતુ NDAએ ભારતમાં 400 અને મહારાષ્ટ્રમાં 45 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.