મરાઠવાડાના આઠ જિલ્લાની 60 વર્ષ જૂની માગણી એકનાથ શિંદેએ પૂરી કરી
નગરાધ્યક્ષોની મુદત લંબાવવા સહિત કેબિનેટની બેઠકમાં આઠ મહત્ત્વના નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને વિદર્ભના આઠ જિલ્લાના વિકાસમાં અવરોધરૂપ જમીનના વર્ગીકરણમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈને મરાઠવાડાની 60 વર્ષ જૂની માગણી પૂરી કરી હતી.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બુધવારે આયોજિત કેબિનેટની બેઠકમાં આઠ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં પશુપાલન અને દુધવિકાસ, મહેસુલ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ અને સહકાર વિભાગને માટે નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બધામાં અન્ય એક સૌથી મહત્ત્વનો નિર્ણય નગરાધ્યક્ષોની મુદત વધારીને પાંચ વર્ષ કરવાનો છે. રાજ્યની નગરપંચાયતોની ચૂંટણી 2021-22માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે આથી તેમની મુદત પૂરી થવા આવી હોવાથી તેમની મુદત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ આયોજિત કેબિનેટની બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની સાથે કેબિનેટના સભ્યો હાજર હતા.
વિદર્ભ અને મરાઠવાડામાં ડેરી ડેવલપમેન્ટને ગતિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેને માટે 149 કરોડના ખર્ચને મંજૂરી આપવામા આવી હતી. આવી જ રીતે મહેસુલ વિભાગમાં મરાઠવાડાની ખાલસા કરવામાં આવેલી અંદાજે 1.4 લાખ એકર ‘વર્ગ-2’ની ઈનામ અને દેવસ્થાનની જમીનને ‘વર્ગ-1’ની કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ગ-2ની જમીનના ધારકોને આ જમીનના વિકાસમાં અનેક પ્રકારના અવરોધો આવતા હતા તે નવા વર્ગીકરણ બાદ હળવા થઈ જશે.
વર્ગ-2 ની જમીન શરતી ફાળવણી છે, જેમાં વિશેષ હેતુ માટે ધારકને જમીન આપવામાં આવે છે, જેમાં ઈનામ, ધાર્મિક બાંધકામ અને તેની જાળવણી વગેરેનો સમાવેશ થાય છે. આ જમીનોને ફ્રી-હોલ્ડ કરવાની માગણી લગભગ 60 વર્ષથી થઈ રહી હતી, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.
આ જમીનોને ફ્રી-હોલ્ડ કરવાના નિર્ણયથી વર્તમાન ધારકોને ફાયદો થશે. જોકે, આને માટે વર્તમાન ધારકોએ કેટલીક રકમ રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરાવવાની રહેશે અને તેના બદલામાં તેમની જમીન ફ્રી-હોલ્ડ થશે, જેથી તેઓ તેનો વિકાસ કરી શકશે.
આ પણ વાંચો : લાડકી બહેન યોજનાથી અર્થતંત્રને વેગ મળશે: મુખ્યમંત્રી એકનાથ શિંદે
ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ હેઠળ ડેક્કન કોલેજ, ગોખલે ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ, ટિળક મહારાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષક અને શિક્ષકેતર કર્મચારીઓને મેડિકલ રિઈમ્બર્સમેન્ટ આપવાની યોજના લાગુ કરવામાં આવશે એવું કેબિનેટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
સહકાર વિભાગ હેઠળના પાવરલૂમને વધારાની વીજ દરની સવલત માટે નોંધણી કરાવવા માટે માર્ચ-2025 સુધી મુદતવધારો આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા મેડિકલ એજ્યુકેશન વિભાગમાં સરકારી અને ખાનગી તબીબી કોલેજના નિવૃત્ત પ્રોફેસરોને ફિક્સ્ડ માનધન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ધોરણે બાકીના મહારાષ્ટ્રના પ્રોફેસરોને રૂ. 1.85 લાખ, એસોસિયેટ પ્રોફેસરને રૂ. 1.70 લાખનું માનધન અપાશે જ્યારે રિમોટ વિસ્તારમાં આવેલી કોલેજોમાં પ્રોફેસરોને રૂ. 2 લાખ અને એસોસિયેટ પ્રોફેસરોને રૂ. 1.85 લાખ આપવામાં આવશે.
સાર્વજનિક બાંધકામ વિભાગ તરફથી છ હજાર કિલોમીટર રસ્તાના ડામરીકરણને બદલે સિમેન્ટ કૉન્ક્રીટીકરણ કરવામાં આવશે અને તેને માટે સુધારિત રૂ. 36,000 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.