એકનાથ શિંદેની ફિલ્મ પછી, હવે મરાઠી નાટક…
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જૂન 2022માં શિવસેના પક્ષમાં મોટો બળવો શરૂ કર્યો હતો. પાર્ટીના 40 વિધાનસભ્યોને પોતાની સાથે લઈને તેમણે અલગ ચોકો માંડ્યો હતો. તેમણે ખરી શિવસેના હોવાનો દાવો કર્યો હતો અને બાદમાં ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટે પણ તેમના જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી હતી. તેમજ આ પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કરીને રાજ્યમાં સત્તા સ્થાપી હતી. ત્યારથી એકનાથ શિંદે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં આ સત્તા સંઘર્ષ ટૂંક સમયમાં કમર્શિયલ સ્ટેજ પર જોવા મળશે. એકનાથ શિંદેની રાજકીય કારકિર્દી પર આધારિત નવું એક નાટક હવે થિયેટરોમાં આવી રહ્યું છે. કહેવાય છે કે આ નાટકમાં અભિનેતા સંગ્રામ સમેળ મુખ્ય ભૂમિકા ભજવશે.
આ નાટક દ્વારા કઈ કઈ રાજકીય ઘટનાઓ જોવા મળશે? પડદા પાછળની કઈ ઘટનાઓ બહાર આવશે? શિંદેના વિદ્રોહ વિશે આ નાટકમાં શું જોવા મળશે? દરેક વ્યક્તિ આ બધી વિગતો જાણવા માટે ઉત્સુક છે. આ નાટકનું નામ ‘મલા કાહી સાંગાયચંય (મારે કંઈક કહેવું છે) – એકનાથ સંભાજી શિંદે’ રાખવામાં આવ્યું છે અને તે એક પાત્રી નાટક છે. પ્રોફેસર, ડો. પ્રદીપ ધવલેએ આ નાટક લખ્યું છે. વરિષ્ઠ કલાકાર અશોક સમેળ અને અભિનેતા સંગ્રામ સમેળ આ નાટક રજૂ કરશે. પ્રેરણા કલા સંસ્થાએ આ નાટકનું નિર્માણ કર્યું છે. આ નાટક હવે સેન્સર બોર્ડને મોકલવામાં આવ્યું છે. સેન્સર તરફથી મંજૂરી મળ્યા બાદ આ નાટક થિયેટરોમાં જોવા મળશે.