અસંતુષ્ટ વિધાનસભ્યોને એકનાથ શિંદેની શ્રદ્ધા અને સબુરીની સલાહ…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં નવી મહાયુતિ સરકારની રચના કરવામાં આવી છે. રાજ્યમાં એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન સાથે 39 પ્રધાનો પણ છે. પ્રધાનપદના શપથ લેવાયા હોવા છતાં હજુ આ લોકોને ખાતાની ફાળવણી થઈ નથી. જોકે, તક ન મળવાથી અનેક વિધાનસભ્યો નારાજ છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે મહાયુતિમાં ત્રણેય ઘટક પક્ષોના ઘણા વિધાનસભ્યો પ્રધાનપદ ન મળવાથી નારાજ છે.
તેવી જ રીતે શિવસેના (એકનાથ શિંદે) પાર્ટીના કેટલાક વિધાનસભ્યોએ જાહેરમાં નારાજી વ્યક્ત કરી છે. વિજય શિવતારે અને પ્રકાશ સુર્વેએ પણ નારાજગી વ્યક્ત કરી છે. આ બધા વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાના નેતાઓને શ્રદ્ધા અને સબુરી રાખવાની સલાહ આપી હતી.
‘પદો આવે છે અને જાય છે. જે વિધાનસભ્યોને પ્રધાનપદ આપવામાં આવ્યું છે તેમની પાસે ક્ષમતા છે અને જેમને નતી અપાયું તેમની ક્ષમતા નથી એમ કહેવાનું કોઈ કારણ નથી. આપણી સંખ્યા વધી ગઈ છે, કેટલીકવાર કેટલાક લોકોએ શ્રદ્ધા અને સબુરી રાખવી પડે છે. જે વિધાનસભ્યોને પ્રથમ તબક્કામાં પ્રધાન નથી બન્યા, તેઓ પાર્ટી અને સંગઠન માટે કામ કરશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર કૉંગ્રેસને ટુંક સમયમાં નવો અધ્યક્ષ મળશે: નાના પટોલે…
તેમને બીજા તબક્કામાં તક આપવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રધાન બનેલા બીજા તબક્કામાં પાર્ટી માટે કામ કરવાનું કહેવામાં આવશે. આ રૂટિન છે. આ કામ કરવાની રીત છે,’ એમ એકનાથ શિંદેએ નારાજ વિધાનસભ્યોને સંદેશ આપતાં શુક્રવારે કહ્યું હતું.
‘વિજય શિવતારે આવ્યા અને મને કહ્યું કે મારે એકનાથ શિંદેના વિશ્ર્વાસુ સાથીના પદ સિવાય બીજું કોઈ પદ જોઈતું નથી. આવી રીતે કામ થાય છે. પ્રકાશ સુર્વેએ પણ આવીને મને કહ્યું. નરેન્દ્ર ભોંડેકરે પણ જણાવ્યું હતું, પરંતુ આ લોકો હવે ફરીથી જોરશોરથી કામ કરશે.
હવે આપણી જવાબદારી વધી ગઈ છે,’ એમ એકનાથ શિંદેએ કહ્યું હતું. પદો તો આવે છે અને જાય છે, પદને બદલે, આપણી જવાબદારી લોકોને સાથે જોડવાની છે. મને શું મળ્યું તેના કરતાં મહારાષ્ટ્રના લોકોને શું મળશે તે વધુ મહત્વનું છે, એમ પણ તેમણે કહ્યું હતું.