ખાતાની ફાળવણી થઈ ગઈ! શિંદેએ રાત્રે ફડણવીસને લિસ્ટ મોકલ્યું, પણ ગૃહ ભાજપને જ, શિવસેનાનું મહત્વનું ખાતું એનસીપીને?

મુંબઈ: કેબિનેટ વિસ્તરણમાં શપથ લીધા બાદ ત્રણેય પક્ષોના 42 પ્રધાનોના નામ પર મહોર લગાવવામાં આવી હતી. બે દિવસની રાહ જોયા બાદ ખાતાની ફાળવણી પણ નક્કી કરી નાખવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને શિવસેનાની યાદી સોંપી દીધી હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે બપોરે એનસીપીની યાદી સોંપી દીધી હતી. હવે, ફડણવીસ રાજ્યપાલને કેબિનેટની સંપૂર્ણ ખાતાં આધારિત સૂચિ આપવાના છે.
કોને ક્યું ખાતું?
એકનાથ શિંદેની આગેવાની હેઠળની છેલ્લી મહાયુતિ સરકારમાં મોટાભાગના ખાતાઓ જે-તે પક્ષ પાસે જ રહેશે. મુખ્યત્વે ગૃહ મંત્રાલય ભાજપ પાસે, નાણા મંત્રાલય એનસીપી પાસે અને નગર વિકાસ વિભાગ શિવસેના પાસે રહેશે. કેટલાક ખાતાની અદલાબદલીના સંકેતો મળી રહ્યા છે. શિવસેના પાસેથી એક્સાઇઝ ખાતું એનસીપી પાસે જાય તેવી શક્યતા છે, જ્યારે ભાજપનું ગૃહનિર્માણ ખાતું શિવસેનાને જાય તેવા સંકેતો મળી રહ્યા છે.
ગૃહ મંત્રાલય માટે એવું જોવા મળ્યું હતું કે શિવસેના અને ભાજપ વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. શિંદેની શિવસેનાએ મુખ્યપ્રધાન પદ પરનો પોતાનો દાવો છોડતાં ગૃહ મંત્રાલયનો આગ્રહ રાખ્યો હતો. પણ છેવટે તેમને માટે બંને ગુમાવવાનો વારો આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે વિધાનસભાના અધ્યક્ષનું પદ હોય કે વિધાન પરિષદના અધ્યક્ષનું, બંને પદો પર ભાજપનો દબદબો જળવાઈ રહે ગોઠવણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે નાગપુર વિધાન ભવનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
પક્ષ આધારિત મુખ્ય ખાતાની ફાળવણી
ભાજપ- ગૃહ, મહેસૂલ, જાહેર બાંધકામ, પ્રવાસન, ઉર્જા
શિવસેના – નગર વિકાસ, ગૃહનિર્માણ
રાષ્ટ્રવાદી – નાણાં, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, આબકારી જકાત
ખાતાની વહેંચણીમાં વિલંબ અને વિપક્ષની ટીકા
વિપક્ષી પાર્ટીના નેતાનો મુદ્દો ટેકનિકલ છે અને અમે તેના માટે કયો રસ્તો લઈ શકાય તે અંગે ચર્ચા કરી રહ્યા છીએ. જો કે પ્રધાનોને ખાતાની ફાળવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓછામાં ઓછું આપણે જાણવું જોઈએ કે ગૃહ ખાતું કોની પાસે છે.
આટલી જંગી બહુમતી મળવા છતાં મુખ્ય પ્રધાન અને પ્રધાનોની પસંદગી કરવામાં સમય લાગ્યો હતો. હવે ખાતાની ફાળવણીમાં વિલંબ થઈ રહ્યો છે. આ પછી, ભંડોળની ફાળવણીનો મુદ્દો ઉભો થશે. કૅબિનેટના વિસ્તરણ છતાં ખાતાઓની હજી સુધી ફાળવણી થઈ નથી. પ્રધાન બનેલા અને પ્રધાનપદ ન મળેલા ઘણા વિધાનસભ્યો હજુ પણ ગુમ છે. આવી અદ્રશ્ય શક્તિ ન હોવી જોઈએ, જે થાય તે નજર સામે થવું જોઈએ એવા શબ્દોમાં આદિત્ય ઠાકરેએ મહાયુતિ સરકારની ટીકા કરી હતી.