મહારાષ્ટ્રની નવી સરકારમાં એકનાથ શિંદેની ભૂમિકા અંગે ૩ શક્યતાઓ હોવાની ચર્ચાઓ
મહારાષ્ટ્રની નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી થઈ ગઈ છે,ત્યારે એકનાથ શિંદે નવી સરકારમાં શું ભૂમિકા ભજવશે તે ન તો શિવસેના ખુલીને કહી રહી છે કે ન ભાજપ. શિંદેને લઈને મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં તેઓ આગળ શું કરશે તે વિશે ઓછામાં ઓછી ત્રણ ચર્ચાઓ ચાલી રહી છે.
મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શિવસેનાના વડા છે અને તેમની પાર્ટીએ તાજેતરની ચૂંટણીમાં ૫૭ વિધાનસભા બેઠકો જીતી છે. હવે શિંદે શું નિર્ણય લેશે તે અંગે ૩ શક્યતાઓ ચર્ચાઈ રહી છે.
૧. ભાજપ મુખ્યમંત્રી પદ પોતાની પાસે રાખવા માંગે છે અને શેરિંગ ફોર્મ્યુલા હેઠળ અજિત પવાર અને એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવા માંગે છે. અજિત પવારે પણ આ ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે વિભાગ માટે તૈયાર નથી. શિંદે ગૃહ વિભાગ માટે આગ્રહી છે. તેમના જૂથ દ્વારા પણ આ માંગ કરવામાં આવી હતી. શિંદે કોઈ પણ સંજોગોમાં ભવિષ્યમાં મુખ્યમંત્રી પદ માટે પોતાનો દાવો છોડવા માંગતા નથી. શિંદે જૂથનું માનવું છે કે જો તેઓ દેવેન્દ્ર ફડણવીસની જેમ ગૃહ વિભાગ લઈને ડેપ્યુટી સીએમ બનશે તો તેમનું કદ ઓછું નહીં થાય.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નામની જાહેરાત ચોથી ડિસેમ્બરે
૨. મહારાષ્ટ્રના રાજકારણમાં એવી પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે કે જો એકનાથ શિંદે સાથે વિભાગોની વહેંચણી પર વાતચીત સફળ નહીં થાય તો એકનાથ શિંદે તેમની જગ્યાએ કોઈ અન્યને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. શિંદે સેનામાં ડેપ્યુટી સીએમ માટે લગભગ ૫ નામોની ચર્ચા છે. પહેલું નામ શિંદેના હાલમાં લોકસભાના સાંસદ પુત્ર શ્રીકાંતનું છે. ચર્ચા છે કે એકનાથ પણ પોતાની ખુરશી શ્રીકાંતને સોંપી શકે છે. શ્રીકાંત ઉપરાંત દીપક કેસરકરનું નામ પણ ચર્ચામાં છે. એકનાથ શિંદેએ રવિવારે દીપક સાથે લાંબી ચર્ચા કરી હતી. ઉદય સામંત અને ગુલાબરાવ પાટીલના નામો પણ ચર્ચાઈ રહ્યા છે. પાટીલના વિસ્તારમાં આ અંગે પોસ્ટર અને બેનરો પણ લગાવવામાં આવ્યા હતા.
૩. એકનાથ શિંદેને લઈને એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો શિંદેની માંગ પૂરી ન થાય તો તેઓ બહારથી સમર્થન આપવા પર પણ વિચાર કરી શકે છે. જો કે શિંદેના આ નિર્ણયને દબાણની રાજનીતિ તરીકે જોવાઈ રહી છે.
એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ વિશે ખુલીને બોલી રહ્યા છે, પરંતુ સરકારમાં તેમની ભૂમિકા અંગે મૌન છે. જ્યારે પત્રકારોએ શિંદેને ગૃહ મંત્રાલય અને હિસ્સેદારી વિશે પ્રશ્નો પૂછ્યા તો તેમણે કોઈ જવાબ ન આપ્યો.