મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુંબઈમાં બૌદ્ધ સાધુઓને મળ્યા: સંઘર્ષની નહીં શાંતીની જરૂરિયાત વ્યક્ત કરી…

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રવિવારે મુંબઈમાં બૌદ્ધ સાધુઓને મળ્યા હતા અને સંઘર્ષને બદલે શાંતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય પ્રધાને વિવિધ પ્રદેશોના સાધુ-સંતોની હાજરી પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક હોવાનું વ્યક્ત કર્યું હતું. એકનાથ શિંદેએ રવિવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો ખાતે એક સમારોહનું આયોજન કર્યું હતું જેમાં પવિત્ર મહિનાને ધ્યાનમાં બૌદ્ધ સાધુઓને વસ્ત્રો, ભોજન આપી તેમની પાસેથી આશીર્વાદ લીધા હતા.

એકનાથ શિંદેએ ઉલ્લેખ કર્યો કે છેલ્લા બે વર્ષથી તેમણે માત્ર એક રાજકારણી તરીકે નહીં પરંતુ એક સામાન્ય માણસ તરીકે સમુદાયની સેવા કરી છે.

તેમણે આગળ કહ્યું, ઘણી જગ્યાએ સંઘર્ષ હોવા છતાં, આપણે સુખી સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર બનાવવા માટે બુદ્ધના ઉપદેશો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

શિંદેએ આધુનિક જ્ઞાનની સાથે બુદ્ધની ફિલસૂફીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડો. બાબાસાહેબ આંબેડકરનું સન્માન કરતી કવિતા પણ શિંદેએ સંભળાવી હતી અને કહ્યું કે રાજ્ય ગૌતમ બુદ્ધના ઉપદેશો અને ડો. આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણના આધારે રાજ્યની સરકાર ચાલે છે.

સમારોહની શરૂઆત બુદ્ધ અને ડો. બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ મુખ્ય પ્રધાન અને સાંસદ ડો. શ્રીકાંત શિંદે દ્વારા બૌદ્ધ સાધુઓને વસ્ત્રો અને અર્પણોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ સાધુઓએ મુખ્ય પ્રધાનને આશીર્વાદ આપ્યા હતા અને તેમની સાથે ભોજન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં સ્થપાઈ રહેલી આ નવી પરંપરા અંગે સાધુઓએ આનંદ વ્યક્ત કર્યો, શાંતિ અને સામુદાયિક ભાવનાને ઉત્તેજન આપવા માટે આવી ઘટનાઓનું મહત્ત્વ દર્શાવે છે.