એકનાથ શિંદેની સ્માર્ટ મૂવઃ ભાજપને તેની ચાલમાં જ સપડાવ્યું
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે બેઠકો ઓછી આપવા માટે જે કારણ આપ્યું હતું તે જ કારણ આપીને વિધાનસભામાં વધુ બેઠકો માગી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઇને અત્યાર સુધી ભાજપનું વલણ 160 બેઠક પર ચૂંટણી લડવાનું રહ્યું હતું, પરંતુ હવે એકનાથ શિંદેએ એવી સ્માર્ટ ચાલ રમી છે કે ભાજપ 125 બેઠક પર લડવા તૈયાર થઈ છે અને એકનાથ શિંદેને વિધાનસભાની બેઠકમાં 80 બેઠકો મળે એવી શક્યતા જોવાઈ રહી છે.
જેવા સાથે તેવાની ચાલ
લોકસભાની ચૂંટણી પહેલાં વિવિધ ઓપિનિયન પોલના આંકડાનો આધાર લઈને ભાજપે ત્યારે એકનાથ શિંદે અને અજિત પવારને ઓછી બેઠકો સ્વીકારવાની ફરજ પાડી હતી, પરંતુ લોકસભાની ચૂંટણીમાં પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી અને એકનાથ શિંદેની પાર્ટીએ 15 બેઠકમાંથી સાત જીતીને દેખાડી હતી અને ભાજપને 23 બેઠકમાંથી ફક્ત 9 બેઠક પર વિજય મળ્યો હતો. આમ ભાજપ કરતાં સફળતાની ટકાવારીના પ્રમાણમાં એકનાથ શિંદેની સફળતાની ટકાવારી વધારે રહી હતી.
તે સમયે ભાજપે જે દાદાગીરી કરી હતી તેની નારાજગી હજી શિંદેસેનામાં છે અને હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામેની લોકોની નારાજગી વિધાનસભામાં કાયમ રહેવાની શક્યતા અને તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક સર્વેક્ષણમાં ભાજપની બેઠકો ઘટવાની શક્યતા વ્યક્ત કરતા અહેવાલો તેમ જ મુખ્ય પ્રધાનપદે એકનાથ શિંદેની વધી રહેલી લોકપ્રિયતાને આગળ કરીને અમિત શાહ સાથેની બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી,
શું છે સર્વેક્ષણના તારણો?
તાજેતરમાં હાથ ધરવામાં આવેલા કેટલાક સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે ભાજપની બેઠકો 105થી ઘટીને 70-80 રહેવાની શક્યતા છે. બીજી તરફ શિંદે સેનાને ઉદ્ધવ સેના કરતાં વધુ સફળતા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, મુખ્ય પ્રધાનપદની પસંદગીમાં પચાસ ટકાથી વધુ લોકોએ એકનાથ શિંદે પર પસંદગી ઉતારી હોવાનું પણ સામે આવ્યું છે. આથી હવે અમિત શાહ સમક્ષ આ જ મુદ્દા રજૂ કરીને શિંદે સેનાનું માર્કેટિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ફક્ત નસીબવાન હોવાથી ચાલતું નથી, રસ્તા પર ઉતરવું પડે છે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી
શું છે એકનાથ શિંદેની માગણી?
રાજ્યમાં અત્યારે ભાજપ કરતાં શિંદે સેનાની તરફેણમાં વાતાવરણ છે. ભાજપ સામે લોકોની નારાજગી છે. આવી સ્થિતિમાં 2019ના ફોર્મ્યુલાને આધારે શિંદે સેનાને 126 બેઠકો વિધાનસભામાં ફાળવવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી અને ઓછામાં ઓછી 100 બેઠકો આપવામાં આવશે તો જ રાજ્યમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી શકશે એમ પણ એકનાથ શિંદેએ અમિત શાહને જણાવ્યું હોવાનું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને ફક્ત 79 વિધાનસભા મતદારસંઘમાં જ સરસાઈ મેળવવામાં સફળતા મળી છે એ બાબત પ્રત્યે પણ તેમણે ધ્યાન દોર્યું હતું.
કેવી રીતે નક્કી થશે મહાયુતિની ફોર્મ્યુલા?
અમિત શાહે મહાયુતિના ત્રણેય મુખ્ય ઘટકપક્ષોના વડા સાથે પહેલા તબક્કામાં ચર્ચા કરી લીધી છે. ત્રણેય પક્ષોની અપેક્ષાઓ વિશે આ ચર્ચામાં પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી. હવે ગણેશોત્સવ પૂરો થયા બાદ ફરી એક વખત ત્રણેય પક્ષના નેતાઓની એક બેઠક થશે જેમાં દરેક પક્ષના નેતાઓની અંતિમ અપેક્ષા સ્પષ્ટ કરવામાં આવશે.
ત્યાર બાદ અમિત શાહ દિલ્હીમાં એક બેઠક બોલાવશે જેમાં ત્રણેય મુખ્ય પક્ષોના પ્રમુખ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને અંતિમ નિર્ણય લઈ લેવામાં આવશે.
ભાજપ, શિંદે સેના અને અજિત પવાર એનસીપી સાથે કેટલાક નાના પક્ષો અને અપક્ષો પણ છે. આ લોકોને કેટલો હિસ્સો આપવો તેની જવાબદારી જે તે પક્ષ પર સોંપવામાં આવશે.
આચારસંહિતા જાહેર થયા બાદ મુંબઈમાં અંતિમ બેઠકનું આયોજન કરવામાં આવશે અને તેમાં દિલ્હીમાં નક્કી કરવામાં આવેલો ફોર્મ્યુલા જાહેર કરવામાં આવશે.