‘મુંબઈ સમાચાર’ના ‘સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા અભિયાન’ને હવે મહારાષ્ટ્ર સરકારનો પણ ટેકો
મુંબઈઃ ‘મુંબઈ સમાચાર’ના સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયાને બે દિવસ પહેલાં ગુજરાત સરકારનો પ્રતિસાદ સાંપડ્યા બાદ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવેએ મુલાકાત લીધી હતી. તેમણે પણ માન્યું હતું કે જાહેર ઉત્સવોમાં અનેક વાર અનિચ્છનીય ઘટના બનતી હોવાથી એવા ઠેકાણે તબીબી સેન્ટરો ઊભાં કરવાં ફરજિયાત છે. મુંબઈ સમાચારે હાથ ધરેલા અભિયાનને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટેકો જાહેર મુખ્ય કર્યો હતો અને એક પણ મિનિટનો વિલંબ કર્યા વિના રાજ્યના તમામ જિલ્લાધિકારીઓને નિર્દેશ પસાર કર્યો હતો.
નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓનું સ્વાસ્થ્ય જોખમાય તો એવા સમયે તબીબી સહાય મળી રહે એ માટે તબીબી સેન્ટર હોવું જરૂરી છે એવા મુંબઈ સમાચાર ચલાવેલા અભિયાનની મુખ્ય પ્રધાને પ્રશંસા કરી હતી. આટલું જ નહીં અખબારોએ માત્ર સમાચાર પર જ નહીં સમાજોપયોગી કાર્યોમાં પણ ફાળો આપવો જોઇએ.
મુંબઈ સમાચાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલને પ્રોત્સાહન પૂરું પાડીને તેમણે તાબડતોબ જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. મુંબઈ સમાચાર સતત આવાં કાર્ય કરતું રહ્યું છે અને ૨૦૦ વર્ષનો ઈતિહાસ તેમની પડખે છે, એવું તેમણે આ સમયે જણાવ્યું હતું અને એ જ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
મુંબઈ સમાચારને આવા અભિયાન ચલાવવા બદલ અભિનંદ આપતાં શિંદેએ ખેલૈયાઓને અપીલ કરી હતી કે તેઓ નવરાત્રિ દરમિયાન સ્વસ્થ રહે, મસ્ત રહે. ઉત્સવ એવી રીતે ઊજવે કે એમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને. મુંબઈ સમાચારના તંત્રી આવેદનપત્રને લઇને મુખ્ય પ્રધાનને મળ્યા ત્યારે સૌપ્રથમ મુંબઈ સમાચારના અભિયાનને ટેકો જાહેર કરનારા થાણે રાસરંગ આયોજક જિતેન્દ્ર મહેતા પણ હાજર હતા.