પ્રવાસીઓને બચાવવામાં મૃત્યુ પામેલા પહલગામના ટટ્ટુ ચાલકના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય: એકનાથ શિંદે…

થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પહલગામ આતંકવાદી હુમલા દરમિયાન પ્રવાસીઓનું રક્ષણ કરતી વખતે પોતાના જીવનું બલિદાન આપીને હીરો તરીકે પ્રશંસા પામેલા ટટ્ટુ ચાલક સૈયદ આદિલ હુસૈન શાહના પરિવારને પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
પોતાના પરિવારના એકમાત્ર કમાનારા શાહ દક્ષિણ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓને ઘોડા પર સવારી કરાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જ્યાં બાવીસમી એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકોની હત્યા કરવામાં આવી હતી.
અહેવાલો દર્શાવે છે કે 20 વર્ષના યુવકે ઘોડા પર મુસાફરી કરી રહેલા એક પ્રવાસીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને રાઇફલ પકડીને આતંકવાદીઓમાંથી એકને નિ:શસ્ત્ર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જોકે, આ પ્રક્રિયામાં આતંકવાદીઓ દ્વારા તેને પણ ગોળી મારી દેવામાં આવી હતી. પહલગામના પર્વતીય પ્રદેશમાં પર્યટકોને લઈ જતો ઘોડા ચાલક આ ભયાનક હુમલામાં મૃત્યુ પામેલો એકમાત્ર સ્થાનિક નાગરિક હતો. ટટ્ટુ ચાલકના હિંમતભર્યા કાર્યથી ખૂબ જ પ્રભાવિત થઈને નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ યુવાન નાયકના પરિવારને વ્યક્તિગત સ્તરે નાણાકીય સહાય આપવાનું નક્કી કર્યું હતું, એમ થાણે સ્થિત તેમના કાર્યાલય દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું.
શુક્રવારે શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના કાર્યકરો અને આ હેતુ માટે શાહ પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક પહોંચાડવામાં આવ્યો હતો, એમ તેમની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.નાયબ મુખ્ય પ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શાહના પરિવાર સાથે પણ વાત કરી હતી, શોક વ્યક્ત કરીને સાંત્વનાના શબ્દો કહ્યા હતા.
વાતચીત દરમિયાન તેમના ભાઈએ હુમલાની ભયાનક વિગતો અને પર્યટકોને બચાવવા માટે યુવાન દ્વારા કરવામાં આવેલા બહાદુરીભર્યા પ્રયાસોનું વર્ણન કર્યું હતું.શિંદેએ ટટ્ટુચાલકની અસાધારણ હિંમત અને માનવતાની પ્રશંસા કરી હતી અને તેમના કાર્યોને ‘દુનિયા માટે અનોખું ઉદાહરણ’ ગણાવ્યું હતું. તેમણે પરિવારને ખાતરી આપી હતી કે તેમના પુત્રનું બલિદાન વ્યર્થ નહીં જાય.
શિંદેએ તેમના જર્જરિત ઘરનું પુનર્નિર્માણ કરવામાં મદદ કરીને પરિવારને વધુ ટેકો આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, એમ પણ તેમની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.‘સૈયદ આદિલ હુસૈન શાહ દ્વારા બતાવેલ બહાદુરીને સમગ્ર રાષ્ટ્ર યાદ રાખશે. તેમની શહાદત આતંકનો સામનો કરવા માનવતાની શક્તિનો પુરાવો છે,’ એમ શિવસેનાના નેતાએ વીડિયો કોલ દરમિયાન જણાવ્યું હતું.
આપણ વાંચો : આક્રોશ અને આઘાત સાથે ડોમ્બિવલી સજ્જડ બંધ