એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરે એક મંચ પર આવશે, શું દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે હશે? અટકળો જોરશોરથી ચાલી રહી છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભૂતપુર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે એક મંચ પર જોવા મળશે કે નહીં તેની ચર્ચાઓ અત્યારે રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે. વાસ્તવમાં, 14 ઓગસ્ટે મુંબઈના વર્લીમાં બીડીડી ચાલ પુનર્વિકાસ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ 556 લાભાર્થીઓને ઘરની ચાવીઓ સોંપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહેવાના છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ત્રણ વર્ષમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના જૂથો વચ્ચે નદીના બે કાંઠા જેવા ભાગલા પડી રહ્યા છે. એકનાથ શિંદેએ 2022માં શિવસેના સામે બળવો કર્યો હતો અને ત્યારથી ઉદ્ધવ ઠાકરે જૂથ સાથેના તેમના સંબંધોમાં કોઈ સુધારો કે મધુરતા આવી નથી.
આ પણ વાંચો: ચાલુ વિધાનસભાએ દિલ્હી અને હવે કેબિનેટમાં ગેરહાજરીઃ એકનાથ શિંદેના મનમાં ચાલે છે શું?
આદિત્ય ઠાકરે વર્લીના વિધાનસભ્ય છે અને પ્રોટોકોલ હેઠળ, તેમને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કારણે, એવી અટકળો ચાલી રહી છે કે શું આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે એક મંચ પર જોવા મળશે. જો તેઓ આવશે, તો છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રના રાજકારણનું આ સૌથી દુર્લભ ચિત્ર હશે, જ્યારે શિવસેનાના બંને જૂથના નેતાઓ એકસાથે જોવા મળશે. આ કાર્યક્રમ મ્હાડા દ્વારા માટુંગાના યશવંત નાટ્ય મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહેશે અને તેમના હસ્તે જ ચાવીઓનું વિતરણ કરવામાં આવશે.
કાર્યક્રમના આમંત્રણ પત્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ઉલ્લેખ મુખ્ય રીતે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વરલીના સ્થાનિક વિધાનસભ્ય આદિત્ય ઠાકરે અને સ્થાનિક સાંસદ અરવિંદ સાવંતને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. બીડીડી ચાલ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષોથી સમાચારમાં છે. આ પ્રોજેક્ટનું કામ મહા વિકાસ આઘાડીની સરકારમાં શરૂ થયું હતું અને મહાયુતિ સરકાર આવ્યા પછી પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં ચાલુ રહ્યું હતું. હવે તેનો પહેલો તબક્કો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળ દરમિયાન પૂર્ણ થયો છે. આવી સ્થિતિમાં, આ પ્રોજેક્ટનું શ્રેય લેવા માટે રાજકીય યુદ્ધ પણ શરૂ થવાનું પાક્કું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ફડણવીસ અને આદિત્ય ઠાકરે એક જ હોટેલમાં જોવા મળ્યા
એકંદરે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 14 ઓગસ્ટે યોજાનારો આ કાર્યક્રમ ફક્ત ચાવીઓના વિતરણ સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ હોઈ શકે છે. હકીકતમાં, મુંબઈમાં 1920થી 1925 દરમિયાન બ્રિટિશરોના કાર્યકાળમાં બોમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ રહેણાંક ઇમારતો બનાવવામાં આવી હતી. હવે આ ખૂબ જ જૂની અને જર્જરિત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, તેનો પુન:વિકાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં તેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. તેને બ્રિટિશ સમયગાળા દરમિયાન ભારતમાં કરવામાં આવેલા શહેરી વિકાસ હેઠળનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવતો હતો.