આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtra Rains: ભારે વરસાદને લઈ એકનાથ શિંદે એક્શનમાં

આર્મી-નેવીને આપ્યાં આદેશો, ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા કરાઈ તાકીદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હવામાન ખાતા દ્વારા મુંબઈ ઉપનગર, રત્નાગિરી, થાણે, પાલઘર અને રાયગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે પાણી પહેલા જ પાળ બાંધવાના આદેશો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યા છે. પુણે સહિત રાજ્યના વિવિધ સ્થળોએ પડી રહેલા મુશળધાર વરસાદની સ્થિતિ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પોતે નજર રાખી રહ્યા છે અને તેમણે કોઇ પણ કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર રહેવાના આદેશ સંબંધિત વિભાગોને આપી દીધા છે.

જરૂર પડ્યે પૂરમાં ફસાયેલા નાગરિકોને ઉગારવા માટે તેમને હેલિકોપ્ટર દ્વારા ઉગારવા માટે એટલે કે એરલિફ્ટ કરવા માટે હેલિકોપ્ટરનો કાફલો તૈયાર રાખવાની સૂચના પણ શિંદેએ આપી હતી. આ વિશે માહિતી આપતા શિંદેએ જણાવ્યું હતું કે એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ), એસડીઆરએફ (સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ), પોલીસ, આર્મી, નેવી, ફાયર બ્રિગેડ, પોલીસ બધાને જ સમન્વય સાધીને એકબીજાને મદદ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ભારે વરસાદને કારણે મુંબઈમાં એર ટ્રાફિક ખોરવાયું, આ એરલાઈન્સે એડવાઈઝરી જાહેર કરી

પૂરની પરિસ્થિતિમાં લોકોને અન્ય સ્થળે ખસેડવા, દવા અને ફૂડ પેકેટ્સના વિતરણની તૈયારી, પાણીની વ્યવસ્થા કરવા સંબંધિત વિભાગોને જણાવી દેવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન મુંબઈ, પુણે, રાયગઢના બધા જ જિલ્લાધિકારીઓ અને પાલિકા કમિશનરો સાથે સંપર્કમાં હોવાની માહિતી પણ તેમણે આપી હતી. પુણેમાં ભારતીય સેના અને નેવીના અધિકારીઓ સાથે પણ મુખ્ય પ્રધાને વાતચીત કરીને તેમની તૈયારી વિશે જાણકારી મેળવી હતી.

કુર્લા, ઘાટકોપરમાં કામ શરૂ, મુંબઈમાં 255 પંપ કાર્યરત
મુંબઈમાં વરસાદની સ્થિતિ વિશે વાત કરતા શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર ભરાયેલા પાણીના નિકાલ માટે કુર્લા અને ઘાટકોપરમાં યુદ્ધના ધોરણે કામ શરૂ છે. મુંબઈ શહેરમાં પાણીના નિકાલ માટે કુલ 255 પંપ કાર્યરત છે. મુંબઈ મહાપાલિકાના કમિશનરને આખા તંત્રને વરસાદની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

રેલવે તંત્રને સજ્જ રહેવા આપ્યા આદેશ
શિંદેએ જણાવ્યું હતું કે વરસાદને પગલે મધ્ય અને હાર્બર રેલવે પ્રશાસનને સંપૂર્ણપણે સજ્જ રહેવાનો આદેશ આપી દેવાયો છે. જે વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે તેવા વિસ્તારોમાં શાળાઓ અને કૉલેજોમાં રજા જાહેર કરવાનું જણાવી દેવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button