થાણેના હેલિપેડ પર ઉતરતાં જ એકનાથ શિંદેએ દીપક કેસરકર સાથે કરી ખાનગી ચર્ચા: મીડિયાને કોઈ જવાબ ન આપ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને મોટી સફળતા મળી છે. વિધાનસભાના પરિણામોને એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે. તે પછી પણ રાજ્યના મુખ્ય પ્રધાન કોણ? એનો જવાબ મળ્યો નથી. બીજી તરફ મુખ્ય પ્રધાનના શપથગ્રહણની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ તમામ પ્રક્રિયામાં દેશના રાજકારણનું ધ્યાન કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તરફ ગયું છે.
એકનાથ શિંદે દિલ્હીથી સીધા સાતારાના ડેરેગાંવમાં આવેલા તેમના ગામ ગયા હતા. જેના કારણે રાજ્યમાં બે દિવસ સુધી રાજકીય ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી. એકનાથ શિંદે નારાજ હોવાની ચર્ચા હતી. હવે બે દિવસ પછી એકનાથ શિંદે ડેરેગાંવથી થાણે પાછા ફર્યા હતા. જે બાદ તેમણે હેલિપેડ પર જ શિવસેનાના નેતા દીપક કેસરકર સાથે ખાનગીમાં ચર્ચા કરી હતી. આ ચર્ચામાં કોઈ ત્રીજો પક્ષ સામેલ નહોતો. જે બાદ એકનાથ શિંદે મીડિયા સાથે વાત કર્યા વગર થાણેમાં તેમના નિવાસસ્થાને રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો : અમિત શાહ આજે મુંબઇ આવશે, મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાતારાથી સાંજે પાંચ વાગ્યે થાણે હેલિપેડ પહોંચ્યા. બે દિવસ પહેલા ડેરેગાંવ ગયેલા મુખ્ય પ્રધાન રવિવારે થાણેમાં પ્રવેશ્યા હતા. આ પ્રસંગે શિવસેનાના નેતા દીપક કેસરકર તેમનું સ્વાગત કરવા માટે રેમન્ડ હેલિપેડ પર આવ્યા હતા. સ્વાગત બાદ બંને નેતાઓએ વન-ઓન-વન ચર્ચા કરી હતી. તે ચર્ચા પછી મીડિયાએ એકનાથ શિંદેને પૂછ્યું કે શું મહાયુતિની બેઠક થશે? પરંતુ કશું બોલ્યા વિના એકનાથ શિંદે સીધા જ પોતાના ઘરે જતા રહ્યા હતા,
મહાયુતિના નેતાઓ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તે બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. આ બેઠક બાદ મહારાષ્ટ્રમાં મહાયુતિના નેતાઓની બેઠક યોજાવાની હતી. પરંતુ એકનાથ શિંદે મુંબઈમાં રોકાયા વિના સીધા તેમના વતન સાતારા ગયા. આથી રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ હતી. શિવસેનાના નેતાઓએ કહ્યું હતું કે એકનાથ શિંદેની તબિયત સારી નથી. પરંતુ વિપક્ષે એકનાથ શિંદે નારાજ હોવાની વાત શરૂ કરી હતી.