આમચી મુંબઈમહારાષ્ટ્ર

એકનાથ ખડસેની ‘ભાજપ વાપસી’ને ગ્રહણ?: શું કહ્યું ખડસેએ?

મુંબઈ: મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળ દરમિયાન પ્રધાન રહી ચૂકેલા એકનાથ ખડસે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફરી પાછા ભાજપમાં જોડાય તેવી ઓછી શક્યતા જણાઇ રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ખડસે દિલ્હીમાં જઇને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. જોકે, લોકસભાની ચૂંટણી પત્યા બાદ હવે વિધાનસભાની ચૂંટણી માથે છે, છતાં તેમના ભાજપ પ્રવેશ અંગે કોઇ સ્પષ્ટતા નથી થઇ.

જોકે, આ મામલે મૌન તોડતા આખરે એકનાથ ખડસેએ સ્પષ્ટતા કરી છે. ખડસેએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હજી સુધી ભાજપ તરફથી વિશે મને કોઇપણ પ્રતિસાદ મળ્યો નથી. હું હજી થોડા દિવસ સુધી ભાજપના પ્રતિસાદની વાટ જોઇશ, નહીંતર હું ફરીથી એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર જૂથ)માં જોડાઇ જઇશ.

પોતે હજી પણ શરદ પવાર જૂથના સભ્ય હોવાનું જણાવતા ખડસેએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવા બાબતે મેં તેમને(ભાજપને) વિનંતી કરી હતી, પરંતુ હજી સુધી એ વિશે તેમના તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નથી. હું હજી પણ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ શરદ પવાર જૂથનો સભ્ય છું. મેં સભ્ય પદેથી મારું રાજીનામું આપ્યું હતું અને શરદ પવાર અને જયંત પાટીલને મોકલાવ્યું હતું, પરંતુ હજી સુધી મારું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. હું હજી શરદ પવાર જૂથનો વિધાનસભ્ય છું. શરદ પવારે મારા વિધાનસભ્ય પદેથી રાજીનામું આપવાનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચો : એકનાથ ખડસે ક્યારે ભાજપમાં પાછા ફરશે, જાણો શું કહ્યું રક્ષા ખડસે?

ભાજપ પ્રવેશ માટે શરદ પવાર સાથે કરી ચર્ચા
ભાજપમાં પ્રવેશ કરવા વિશે શરદ પવાર સાથે પણ ચર્ચા થઇ હોવાનું જણાવતા ખડસેએ કહ્યું હતું કે હું થોડા દિવસ સુધી ભાજપના જવાબની રાહ જોઇશ, નહીંતર મારા મૂળ પક્ષ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(શરદ પવાર જૂથ) સાથે ફરી જોડાઇશ અને કામ કરવાનું શરૂ કરી દઇશ. ભાજપમાં પ્રવેશ કરવો જોઇએ એવો મારો પહેલાથી મત હતો અને તેની પાછળ કારણો પણ હતા. આ બાબતે મેં શરદ પવાર અને જયંત પાટીલ સાથે પણ ચર્ચા કરી હતી. મારે સામે અમુક અડચણો હતી, પરંતુ હવે મારે આ અંગે ફરી વિચાર કરવો પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button