આઠ મહિલા પોલીસનો લેટર બૉમ્બ: પોલીસ અધિકારીઓએ બળાત્કાર ગુજાર્યાનો આરોપ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો લેટર બોગસ: પોલીસ તપાસનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા દુષ્કર્મ અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાના આઠ મહિલા પોલીસે કરેલા આરોપથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ પત્ર પોલીસ ખાતા માટે લેટર બૉમ્બ સાબિત થયો હતો. જોકે આ લેટર બોગસ હોવાથી તે અંગે સઘન તપાસ કરીને સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે, એમ સ્પેશિયલ પોલીસ કમિશનર દેવેન ભારતીએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પત્રમાં નાગપાડાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કાર્યરત આઠ મહિલા પોલીસ કર્મચારીનાં નામ અને હસ્તાક્ષર છે. આ મહિલા પોલીસે રાજ્યના મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, પોલીસ કમિશનર, જૉઈન્ટ પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને આ લેટર સ્પીડ પોસ્ટથી મોકલાવ્યો હોવાનું દર્શાવાયું છે.
ત્રણ પાનાંના આ પત્રમાં આઠ મહિલા પોલીસ કર્મચારીને નવેમ્બરથી માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હોવાનું જણાવાયું હતું. પત્રમાં ગંભીર આરોપ કરતાં જણાવાયું છે કે બે ઈન્સ્પેક્ટર પોલીસ વાહનમાં ડેપ્યુટી પોલીસ કમિશનરના નિવાસસ્થાને લઈ ગયા હતા, જ્યાં ત્રણેય જણે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. ‘સારા’ સંબંધ રાખવા પર મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કોઈ મોટી જવાબદારી નહીં સોંપવાની ખાતરી અધિકારીએ આપી હતી.
વારંવારના દુષ્કર્મથી મહિલા પોલીસ કર્મચારીઓ ગર્ભવતી બની હતી. ડીસીપીના કહેવાથી ઈન્સ્પેક્ટરે મહિલાઓને અમુક રૂપિયા આપી ગર્ભપાત કરવાની સૂચના આપી હતી, એવું પત્રમાં નોંધવામાં આવ્યું હતું.
ડીસીપીના ઑપરેટર, ડ્રાઈવર અને ઑર્ડરલીએ પણ ડીસીપીની ઑફિસમાં ફરિયાદી મહિલા પોલીસ કર્મચારીઓનું જાતીય શોષણ કર્યું હતું. બન્ને ઈન્સ્પેક્ટરે સંબંધિત કૃત્યના અશ્ર્લીલ વીડિયો બનાવ્યા હતા, જેને આધારે તેમને બ્લૅકમેઈલ કરવામાં આવતી હતી. શારીરિક સંબંધ રાખવાની મનાઈ કરતાં આ વીડિયો પરિવારજનો અને પતિને દેખાડવાની ધમકી આપવામાં આવતી હતી, એવા આક્ષેપ પત્રમાં કરાયા હતા.
આ અંગે ખુલાસો કરતાં વરિષ્ઠ પોલીસ અધિકારી વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર મહિલા કર્મચારીઓ પર અત્યાચારના વહેતા થયેલા સમાચારો બાબતે તપાસ કરતાં કથિત અરજદારોએ આવી કોઈ અરજી કરી ન હોવાનું જણાયું હતું. અજાણી વ્યક્તિએ બદઈરાદાથી આ અરજી વાયરલ કરી છે. આ મામલે સઘન તપાસ કરવામાં આવી રહી હોઈ સંબંધિતો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.