વિદ્યાર્થીઓને ઈંડા: શિવસેના અને ભાજપ વચ્ચે સંઘર્ષ
કોલ્હાપુરના ભાજપના જૈન સંઘે મોકલ્યા શિક્ષણ પ્રધાનને જાડા ધાન્યના પેકેટો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના શાળા શિક્ષણ વિભાગ દ્વારા મધ્યાન્હ ભોજન યોજનામાં વિદ્યાર્થીઓને ઈંડા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ શિંદે જૂથના પ્રધાન કેસરકરના આ નિર્ણયનો વિરોધ સત્તામાં ભાગીદાર પક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોલ્હાપુરના ભાજપના જૈન સેલ દ્વારા કેસરકરના નિર્ણયનો વિરોધ નોંધાવવા માટે કોલ્હાપુરની પોસ્ટ ઓફિસમાંથી તેમને જાડા ધાન્યના પેકેટ મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં આની સાથે તેમને ઈંડા આપવાનો નિર્ણય પાછો લેવાની માગણી કરવામાં આવી છે. નિર્ણય પાછો લેવામાં ન આવે તો આખા રાજ્યના જૈન સમાજના લોકો આ નિર્ણયનો વિરોધ કરવા માટે કેસરકરને જાડા ધાન્યના પેકેટો મોકલશે એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે સ્કૂલોમાં ઈંડા આપવાના નિર્ણયનો વિરોધ ભાજપની આધ્યાત્મિક આઘાડી દ્વારા પણ કરવામાં આવ્યો હતો. આચાર્ય તુષાર ભોસલેએ સ્કૂલના વિદ્યાર્થીઓને ઈંડા આપાવાનો વિરોધ કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એક પત્ર પાછવ્યો હતો. જેમાં આ નિર્ણય અંગે નારાજી વ્યક્ત કરી હતી અને લોકોની લાગણી દુભાઈ રહી હોવાનો દાવો કરીને નિર્ણય તત્કાળ રદ કરવાની માગણી કરવામાં આવી હતી.
જાડા ધાન્યના પેકેટ મોકલવાનું કારણ આપતાં જૈન સેલના કોલ્હાપુરના અધ્યક્ષે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાડા ધાન્યના સેવન પર ભાર મૂક્યો છે. જાડા ધાન્ય જેવું પૌષ્ટિક ધાન્ય આખી દુનિયામાં નથી ત્યારે ઈંડાને બદલે જાડું ધાન્ય બાળકોને પ્રોટિન માટે આપી શકાય એવો દાવો કરવામાં આવ્યો છે.
ક્યા વિદ્યાર્થીઓને અપાશે ઈંડા?
રાજ્યની જિલ્લા પરિષદની સ્કૂલોમાં પહેલીથી આઠમીના વિદ્યાર્થીઓને મધ્યાન્હ ભોજનના માધ્યમથી પોષક આહાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે પ્રિન્સિપાલને સ્થાનિક બજારમાંથી ઈંડા અને ફળની ખરીદી કરી શકાય તે માટે પહેલા અઠવાડિયે વિદ્યાર્થી દીઠ રૂ. 30 આપવામાં આવશે. જૈન સેલ દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે ઈંડાને બદલે વિદ્યાર્થીઓને ફક્ત ફળો આપવા.