‘વંદે ભારત’ના કોચમાં સુવિધા વધારવાના પ્રયાસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

‘વંદે ભારત’ના કોચમાં સુવિધા વધારવાના પ્રયાસ

સફાઇ, અકસ્માત રોકવા માટેનાં પગલાં લેવાશે

મુંબઈ: પ્રવાસીઓનો અનુભવ બહેતર બને એ હેતુથી વંદે ભારત કોચમાં વિશિષ્ટ સગવડ પ્રાયોગિક ધોરણે આપવાની જાહેરાત મધ્ય રેલવેએ કરી હતી. મધ્ય રેલવેના મુખ્ય પ્રવક્તા શિવરાજ માનસપુરેએ આ સંદર્ભે જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન પ્રવાસીઓનો અનુભવ વધુ સુખદ રહે તેમજ વંદે ભારતના કોચની ટૅક્નિકલ સમસ્યા દૂર કરવાના આશય સાથે મધ્ય રેલવેએ બે મહત્ત્વના પગલાં પ્રાયોગિક ધોરણે લીધા છે.

પહેલો અખતરો છે ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચના ટોઈલેટમાં ઓડર સેન્સર (દુર્ગંધ દૂર કરતું ઉપકરણ) બેસાડવાનું. ટોઈલેટમાં ગંધના પ્રમાણની ચકાસણી પ્રાયોગિક ધોરણે નિયમિતપણે કરી શકાય એ માટે આ સેન્સર બેસાડવામાં આવ્યા છે.

દુર્ગંધનું પ્રમાણ વધી જતા આ સેન્સર કાર્યરત થઈ હાઉસકિપિંગ સ્ટાફને તાબડતોબ ચેતવણી આપતો મેસેજ મોકલશે. પરિણામે સંબંધિત વ્યક્તિ તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ લાવી શકશે. એકંદરે ટ્રેનમાં સ્વચ્છતાનું પ્રમાણ જળવાશે અને યાત્રીઓની પરેશાની દૂર થઈ જશે. પ્રાયોગિક ધોરણે સફળતા મળ્યા પછી ટ્રેનના બાકીના બધા કોચમાં આ સેન્સર બેસાડવામાં આવશે. મધ્ય રેલવેનો બીજો પ્રયાસ છે વંદે ભારતના કોચમાં ન્યૂમેટિક પાઈપમાં બદલાવ લાવવાનો. પ્રાણીઓ સાથે ટ્રેનની અથડામણના બનાવમાં આ પાઈપને નુકસાન પહોંચ્યું હોવાના દાખલા બન્યા છે. એમાં કરવામાં આવેલા બદલાવથી નુકસાનની શક્યતા નહિવત થઈ જશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button