ચેંબુરમાં પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર
૧૬ વિદ્યાર્થીઓ હૉસ્પિટલ ભેગા, ખાદ્ય પદાર્થના નમૂનાની તપાસ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેંબુર આણિક ગાંવ મ્યુનિસિપલ સ્કૂલમાં છઠ્ઠા અને સાતમા ધોરણના ૧૬ વિદ્યાર્થીઓને શુક્રવારે બપોરનું ભોજન ખાધા બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી. બપોરના ૧૨થી ૧ વાગ્યા દરમિયાન ભોજન લીધા બાદ વિદ્યાથીઓને ઉલટી, જુલાબ અને પેટમાં દુખાવાની ફરિયાદ થતા તેમને તુરંત ગોવંડીમાં આવેલી શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તમામ વિદ્યાર્થીઓની તબિયત સ્થિર હોઈ તેમને ૨૪ કલાક માટે ઑબ્ઝરવેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન પાલિકા પ્રશાસને વિદ્યાર્થીઓને આપવામાં આવેલી ખીચડીના સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા અને દોષી સામે પગલાં લેવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
ચેંબુરના આણિક ગાંવમાં મુંબઈ મહાનગરપાલિકાની મરાઠી અને હિંદી મિડિયમની આઠમા ધોરણ સુધીની સ્કૂલ છે. આ સ્કૂલમાં સવારની ટર્મમાં આવેલા વિદ્યાર્થીઓને દરરોજ મુજબ શુક્રવારે બપોરના ભાત, દાળ અને પૌષ્ટિક પદાર્થ આપવામાં આવ્યો હતો. લગભગ ૨૪૦ વિદ્યાર્થીઓને આ ખાદ્યપદાર્થ લીધો હતો, જેમાં હિંદી મિડિયમમાં છઠ્ઠા અને સાતમા ધોરણના વિદ્યાર્થીઓને ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થવા માંડી હતી. તેથી વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.
સ્કૂલ પ્રશાસન દ્વારા ૧૬ વિદ્યાર્થીઓને પહેલા અયોધ્યાનગરમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે વિદ્યાર્થીઓને તકલીફ વધતા તમામ વિદ્યાર્થીઓને ગોવંડીમાં આવેલી શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ વિદ્યાર્થીઓની તબિયતમાં સુધારો જણાયો હતો. પરંતુ તકેદારીના પગલારૂપે તમામ વિદ્યાર્થીઓને ૨૪ કલાક માટે હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું ગોવંડી શતાબ્દી હૉસ્પિટલના ડીન ડૉ. સુનીલે જણાવ્યું હતું.
આ સ્કૂલમાં હિંદી મિડિયમમાં કુલ ૧૮૯ તો મરાઠી માધ્યમમાં ૫૧ વિદ્યાર્થીઓ છે, જેમાંથી સાતમા ધોરણના છ અને છઠ્ઠા ધોરણના ૧૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ શાળામાં સવારના સત્રમાં શાંતાઈ મહિલા ઔદ્યોગિક સહકારી સંસ્થા મારફત પુરવઠો કરવામાં આવતો હતો.
તો કાર્યવાહી થશે!
શુક્રવારના સ્કૂલમાં થયેલી ખોરાકી ઝેરની અસરના બનાવ બાદ પાલિકાના શિક્ષણ વિભાગના ડેપ્યુટી કમિશનર ડી. ગંગાધરણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ખાદ્ય પદાર્થ બનાવવાના ઠેકાણે તથા હૉસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. શાંતાઈ મહિલા ઔદ્યોગિક સહકારી સંસ્થાના કિચનમાં ભોજન બને છે ત્યાંથી ૨૪ ઠેકાણે લગભગ ૬,૭૯૭ વિદ્યાર્થીઓને આહાર પૂરો પાડવામાં આવે છે. ફક્ત ૧૬ વિદ્યાર્થીઓને ખાદ્ય પદાર્થ બાદ ત્રાસ થયો હતો અને અન્ય વિદ્યાર્થીઓને તકલીફ થઈ નહોતી. તેથી આ જ સ્કૂલના વિદ્યાર્થીઓને કેમ ત્રાસ થયો તેની તપાસ કરવા માટે ખાદ્ય પદાર્થના સેમ્પલ પાલિકાની જી-ઉત્તર વોર્ડમાં આવેલી પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું ગંગાધરણે જણાવ્યું હતું. આ ઘટના માટે જવાબદાર સંસ્થા અને સંબંધિત અધિકારીની તપાસ કરીને ૨૪ કલાકની અંદર અહેવાલ રજૂ કરવાનો અને દોષી સામે તાત્કાલિક પગલાં લેવો આદેશ આપ્યો હતો.