વીઆઇપી ગ્રુપના વિનોદ ખુટે સાથે સંબંધિત મિલકતો પર ઇડીએ મારી ટાંચ

58 બેન્ક ખાતાંમાંની રકમ અને ડિપોઝિટોનો સમાવેશ
મુંબઈ: વીઆઇપી ગ્રુપ-ગ્લોબલ એફિલિએટ બિઝનેસના માલિક વિનોદ ખુટે સાથે સંબંધિત રૂ. 24.41 કરોડની મિલકતો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ટાંચ મારી છે. આમાં 58 જેટલાં બેન્ક ખાતાંમાંના રૂ. 21.27 કરોડ અને રૂ. 3.14 કરોડની ડિપોઝિટનો સમાવેશ છે. અગાઉ માર્ચ મહિનામાં ખુટેની દુબઇમાંની રૂ. 37.50 કરોડની મિલકત પર ટાંચ મારવા બાબતે ઇડીએ આદેશ જારી કર્યો હતો.
રોકાણ પર સારા વળતરને બહાને સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે વિનોદ ખુટે, સંતોષ ખુટે, મંગેશ ખુટે, કિરણ અનારસે, અજિંક્ય બડાધે અને અન્ય અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ પુણેના ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના આધારે ઇડી આ પ્રકરણે તપાસ કરી રહી છે.
રોકાણ પર સારું વળતર અને ટ્રેડિંગની લાલચ દેખાડીને આરોપીઓએ બોગસ કંપનીના માધ્યમથી વિવિધ બેન્ક ખાતાંમાં રોકાણકારોના 100 કરોડથી વધુ રૂપિયા જમા કર્યા. ઇડીના જણાવ્યા મુજબ દુબઇમાં રહેતા વિનોદ ખુટે આ પ્રકરણમાં મુખ્ય આરોપી હોઇ તેણે દુબઇ સ્થિત કંપની મેસર્સ કાના કેપિટલ લિમિટેડના માધ્યમથી વિવિધ ગેરકાયદે વેપાર, ક્રિપ્ટો એક્સચેન્જ, વોલેટ સેવા, ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી આચર્યાનો આરોપ છે.
વિનોદ ખુટેએ મેસર્સ વીઆઇપીસ વોલેટ પ્રા.લિ. સહિત અનેક કંપનીઓ શરૂ કરી અને તેના થકી રોકાણકારો પાસેથી રૂપિયા ભેગા કર્યા. આ રૂપિયા બોગસ કંપની અને બેન્ક ખાતાંના માધ્યમથી વ્યવહારમાં લાવ્યા. બાદમાં હવાલા ઓપરેટર્સના માધ્યમથી પૈસા દુબઇ મોકલ્યા છે.
વિનોદ ખુટેએ અત્યાર સુધી કરેલા ખર્ચની વિગતો ઇડી દ્વારા તપાસવામાં આવતાં ગુનામાંની રકમ 100 કરોડથી વધુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ રૂપિયાથી દુબઇ-ભારતમાં મિલકત ખરીદવામાં આવી છે. અગાઉ ઇડીએ વિનોદ ખુટે સાથે સંબંધિત પુણે, અમદાવાદ, મુંબઇ તથા વિવિધ સ્થળે છાપા માર્યા હતા.