મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ...
આમચી મુંબઈ

મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ…

નકલી એમઓયુ આપનારા કોન્ટ્રેક્ટરોના આઠ સ્થળે ઇડીની રેઇડ

મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના કરોડો રૂપિયાના કૌભાંડ સંબંધી મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ના અધિકારીઓએ ગુરુવારે મુંબઈમાં આઠ સ્થળ પર રેઇડ પાડી હતી, જેમાં નદીમાંથી ગાળ કાઢીને તેનો નિકાલ કરવા અંગેના નવ નકલી એમઓયુ પાલિકાને આપનારા કોન્ટ્રેક્ટરોને નિશાન બનાવાયા છે.

ઇડી દ્વારા પાડવામાં આવેલી રેઇડનો આ બીજો રાઉન્ડ છે. ઇડીના અધિકારીઓએ જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઇ કેરળમાં પંદરથી વધુ સ્થળે રેઇડ પાડી હતી, જેમાં ફિલ્મ એક્ટર ડિનો મોરિયાના બાંદ્રાના નિવાસસ્થાન સહિત પાલિકાના અધિકારીઓ, વચેટિયા અને અન્ય લોકોનાં રહેઠાણો તથા ઓફિસનો સમાવેશ હતો. ઇડીએ ત્યાર બાદ ડિનો મોરિયા અને તેના ભાઇ સેન્ટિનોની પૂછપરછ પણ કરી હતી.

મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65 કરોડ રૂપિયાના કૌભાંડ પ્રકરણે મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે (ઇઓડબ્લ્યુ) મે મહિનામાં પાંચ ખાનગી કોન્ટ્રેક્ટર, પાલિકાના ત્રણ અધિકારીઓ, ત્રણ વચેટિયા સહિત 13 જણ સામે ગુનો દાખલ કર્યો હતો. લગભગ 1,100 કરોડ રૂપિયાના ગાળ કાઢવાના કામના કોન્ટ્રેક્ટ તપાસ હેઠળ છે.

ઇઓડબ્લ્યુએ દાખલ કરેલા ગુનાને આધારે ઇડીએ ઇસીઆરએસ (એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ) દાખલ કરીને મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. એફઆઇઆરમાં આરોપી તરીકે પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રશાંત રામુગડે, ડેપ્યુટી ચીફ એન્જિનિયર ગણેશ બેન્દ્રે અને પ્રશાંત તાયશેટ્ટી સહિત મેટપ્રોપ કંપનીના દીપક મોહન, કિશોર મેનન, મે. વિરગો સ્પેશ્યાલિસ્ટ પ્રા.લિ.ના જય જોશી, વ્હોડર ઇન્ડિયા એલએલપીના કેતન કદમ અને કોન્ટ્રેક્ટર ભૂપેન્દ્ર પુરોહિતનાં નામ અપાયાં હતાં.

પ્રારંભિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નદીમાંથી ગાળ કાઢવાના કરાર સંબંધિત વિવિધ નાણાકીય ગેરરીતિઓ 2021-22 અને 2022-23 વચ્ચે કરવામાં આવી હતી. બાદમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું કે કોન્ટ્રેક્ટરોએ નવ નકલી એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) રજૂ કર્યા હતા.

દરમિયાન ઇઓડબ્લ્યુએ આ કેસમાં વચેટિયા જય જોશી અને કેતન કદમની ધરપકડ કરી હતી. કેતન કદમ પાસેથી જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં પાલિકાના વરસાદી નિકાલ વિભાગના અધિકારીઓની પોસ્ટિંગના આદેશની નકલ તેમ જ ટેન્ડર સંબંધી ઓરિજિનલ રેકોર્ડની ફોટોકોપી અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. કદમને એક્ટર ડિનો મોરિયા અને તેનો ભાઇ ઘણાં વર્ષથી ઓળખતા હતા અને કદમે કરેલા કેટલાક વ્યવહારો શંકાસ્પદ જણાઇ આવ્યા બાદ ડિનો મોરિયાને સમન્સ પાઠવાયા હતા.

આ પણ વાંચો…મીઠી નદીનો ગાળ ભ્રષ્ટાચાર પ્રકરણમાં ૨૦૦૬થી તપાસ થશે: રાજ્ય સરકાર

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button