હિરાનંદાની ગ્રુપના હેડક્વાર્ટર અને અનેક ઓફિસો પર EDના દરોડા, FEMA નિયમોના ઉલ્લંઘન પર કાર્યવાહી
મુંબઇઃ EDએ ગુરુવારે મુંબઈમાં હિરાનંદાની ગ્રુપની મુખ્ય ઓફિસ અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDએ FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999) સંબંધિત નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં બિઝનેસ ગ્રૂપ વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી. નિરંજન હિરાનંદાની અને સુરેન્દ્ર હિરાનંદાનીએ 1978માં હિરાનંદાની ગ્રુપની સ્થાપના કરી હતી, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. આ બિઝનેસ ગ્રૂપ ભારતમાં સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંનું એક છે. હિરાનંદાની ગ્રુપ પાસે મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ઘણા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છે.
ટીએમસીના ભૂતપૂર્વ સાંસદ મહુઆ મૈત્રાના ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં હિરાનંદાની ગ્રુપ પણ ચર્ચામાં હતું. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને કરેલી લેખિત ફરિયાદમાં મહુઆ મોઇત્રા પર તેમના વતી સંસદમાં પ્રશ્નો પૂછવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટ લેવાનો આરોપ લગાવ્યો હતો. એથિક્સ કમિટીની તપાસમાં સામે આવ્યું હતું કે મહુઆ મોઇત્રાએ તેનું સંસદીય લોગઇન આઈડી અને પાસવર્ડ દર્શન હિરાનંદાની સાથે શેર કર્યો હતો. ત્યાર બાદ મોઇત્રાને કાયદાકીય કામકાજની ગુપ્તતાના ભંગ બદલ લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
દર્શન હિરાનંદાનીએ પણ કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું અને મહુઆ મોઇત્રાને ભેટ આપવા અને તેના સંસદીય પોર્ટલ પર પ્રશ્નો અપલોડ કર્યાનું સ્વીકાર્યું હતું. દર્શન હિરાનંદાની નિરંજન હિરાનંદાનીના પુત્ર છે અને હાલમાં હિરાનંદાની ગ્રુપના CEO છે. દર્શન હિરાનંદાની યોટ્ટા ડેટા સર્વિસીસ, એચ-એનર્જી, ટાર્ક સેમીકંડક્ટર્સ , અને તેઝ પ્લેટફોર્મના ચેરમેન અને નિડર ગ્રુપના પણ CEO છે. હિરાનંદાની ગ્રૂપના પ્રોજેક્ટ્સમાં રહેણાંક ઇમારતો, ઑફિસ બિલ્ડિંગ્સ, હોસ્પિટલો, શાળાઓ, બગીચાઓ, સમુદાય કેન્દ્રો, સ્પોર્ટ્સ ક્લબ્સ, બેંકો, શોપિંગ મોલ્સ, ફિલ્મ સ્ટુડિયો, બસ ગેરેજ, હોટેલ્સ, રેસ્ટોરાં, પબ અને સ્વિમિંગ પૂલનો સમાવેશ થાય છે.
મુંબઈમાં 250 એકરમાં ફેલાયેલી આ ટાઉનશીપમાં 42 રહેણાંક ઈમારતો અને 23 કોમર્શિયલ ઈમારતો છે, જે SEZ શ્રેણી (કેન્સિંગ્ટન) હેઠળ આવે છે. આ જૂથ ડેટા સેન્ટર બિઝનેસના ક્ષેત્રમાં પણ અગ્રેસર છે. તાજેતરમાં હિરાનંદાની ગ્રુપે નોઈડામાં યુપીના બે ડેટા સેન્ટરની સ્થાપના કરી છે. માર્ચ 2022 માં, આવકવેરા વિભાગે મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ – ત્રણ શહેરોમાં ફેલાયેલા હિરાનંદાની જૂથના લગભગ 25 જગ્યાઓની તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હિરાનંદાની જૂથ દ્વારા કરચોરીની શંકાને લઈને IT વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આવકવેરા વિભાગની ટીમોએ ત્રણ શહેરોમાં કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) સહિત જૂથ માટે કામ કરતા ટોચના અધિકારીઓની ઓફિસો, સેલ્સ ગેલેરીઓ અને રહેણાંક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન અધિકારીઓએ હિરાનંદાની ગ્રુપના દસ્તાવેજો, નાણાકીય વ્યવહારોના ઈ-રેકોર્ડ અને વેચાણના રેકોર્ડને સ્કેન કર્યા હતા.