‘ઇડી અને ભાજપ સાથે મળી ખંડણી વસૂલે છે’: રાઉતના ગંભીર આરોપ

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તેમ જ ભાજપ પર ગંભીર આરોપો મૂકતા કહ્યું હતું કે ઇડીના અમુક અધિકારીઓ ભાજપના લોકોની સાથે મળીને લોકો પાસેથી મોટી રકમ ખંડણીરૂપે વસૂલી રહ્યા છે. પોતે સત્તામાં આવે ત્યારે આ બધી જ ગેરકાયદે પ્રવૃત્તિઓ લોકોની સામે લાવશે, તેમ પણ રાઉતે કહ્યું હતું.
આ બધી ગેરકાયદે પ્રવૃત્તિઓ વિશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જાણતા હોવાનો આરોપ પણ સંજય રાઉતે મૂક્યો હતો. પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાઉતે કહ્યું હતું કે જીતુ નવલાની નામનો એક ઇડીનો એજન્ટ લોકો પાસેથી ખંડણી વસૂલવામાં સંડોવાયેલો હતો. અમારી મહાવિકાસ આઘાડીની સરકારે તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. તેને ઇડી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ બંનેનો ટેકો હોવાનું માનવામાં આવે છે.
રાઉતે દાવો કર્યો હતો કે જ્યારે મહાયુતિની સરકાર સત્તામાં આવી ત્યારે ગૃહ ખાતું સંભાળી રહેલા દેવેન્દ્ર ફડણવીસે આ આખો મામલ રફેદફે કરી નાખ્યો હતો. ઇડી પર વધુ આરોપો મૂકતા સંજય રાઉતે કહ્યું હતું કે ઇડીના ભૂતપૂર્વ અધિકારી રાજેશ્ર્વર સિંહ હવે ઉત્તર પ્રદેશમાં ભાજપના વિધાનસભ્ય બની ચૂક્યા છે.
ઇડી સાથે સંબંધો ધરાવતા રોમી ભગત પણ ખંડણી વસૂલવાની પ્રવૃત્તિમાં સામેલ હતા અને હાલ તે આર્થર રોડ જેલમાં છે, એવો દાવો રાઉતે કર્યો હતો. તેમણે ફડણવીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે ફડણવીસ આ બધી વાત જાણે છે અને તેમણે આ બધી વસ્તુ લોકો સમક્ષ લાવવી જોઇએ. અમે સત્તામાં આવીશું ત્યારે અમે કોઇને નહીં છોડીએ.
Also Read –