આમચી મુંબઈ

પર્યાવરણપૂરક ગણેશોત્સવની ઊજવણી: સુધરાઈએ ૫,૭૭,૦૦૦ કિલો શાઢુ માટી આપી મફતમાં, માટી માટે ૭૦૦થી વધુ અરજી


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મૂર્તિકારો પ્લાસ્ટર ઑફ પેરિસને બદલે શાઢુની માટીની મૂર્તિ બનાવે તે માટે તેમને પ્રોત્સાહન આપવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તેમને મફતમાં શાઢુ માટી આપવાનો નિર્ણય લીધો હતો, જેને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી પાલિકા તરફથી ગણેશમૂર્તિકારોને ૫૭૭ મેટ્રિક ટન એટલે કે ૫,૭૭,૦૦૦ કિલો શાઢુ માટી વહેંચવામાં આવી છે.

પ્લાસ્ટર ઑફ પેરિસની મૂર્તિ (પીઓપી)ને બદલે ગણેશભક્તો પર્યાવરણના સંરક્ષણ માટે શાઢુ માટીની બનેલી ગણેશ મૂર્તિની ખરીદી કરવા તરફ વળી રહ્યા છે ત્યારે મૂર્તિકારો પણ પીઓપીને બદલે શાઢુ માટીની મૂર્તિ બનાવવા તરફ ઢળી રહ્યા છે. પાલિકા તેમને મફતમાં માટી ઉપલબ્ધ કરાવી આપી રહી છે. આ વર્ષે પહેલી વખત શાઢુ માટી માટેની માગણી પણ ઑનલાઈન પદ્ધતિએ રાખવામાં આવી હતી, તે માટે પાલિકા તરફથી ૭૦૦થી વધુ મૂર્તિકારોની અરજી માન્ય કરવામાં આવી છે.

સાર્વજનિક તેમ જ ઘરમાં ગણેશોત્સવની ઊજવણી કરનારા ભક્તો શાઢુ માટીથી બનેલી મૂર્તિની ખરીદી કરે તે માટે પાલિકા વર્ષોથી પ્રયાસ કરી રહી છે. એ સાથે જ ઘરના ગણપતિની મૂર્તિની ઊંચાઈ ચાર ફૂટ સુધીની મર્યાદિત રાખીને તેનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ ઘરે કરે તે માટે પણ પાલિકા ભક્તોને સતત અપીલ કરતી આવી છે. સાર્વજનિક ગણેશમંડળોને પણ પર્યાવરણ અનુરૂપ ગણેશોત્સવની ઊજવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે અને તેમને પણ મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ વર્ષે કૃત્રિમ તળાવની સંખ્યા પણ ૨૦૦ કરતા વધુ કરવાનું પાલિકાનું આયોજન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button