પૂર્વ ઉપનગરના આ વિસ્તારના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર થવાની પાલિકાની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘એસ’ વોર્ડમાં આવતા ડુંગરાળ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને અન્ય સુરક્ષિત સ્થળે સ્થળાંતર થવાની ચેતવણી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે.
ચોમાસામાં ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડવાની અને વરસાદને કારણે ડુંગર પરથી વહેતા પાણીને કારણે ભૂસ્ખલન થઈને ઝૂંપડપટ્ટી પર પડવાના બનાવ બનતા હોય છે. તેમ જ નાળામાં પૂર આવવાની પણ શક્યતા હોય છે, જેમાં જાનહાનિનું જોખમ હોય છે. તેથી દર વર્ષે પાલિકા પ્રશાસન દ્વારા મુંબઈના પૂર્વ ઉપનગરમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ચોમાસા પહેલા જ અન્ય સુરક્ષિત સ્થળે સ્થળાંતર થવાનું કહેવામાં આવતું હોય છે.
પાલિકાના ‘એસ’ વોર્ડમાં દ્વારા પોતાના વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારના નાગરિકો માટે ચેતવણી બહાર પાડી છે, જેમાં વિક્રોલી પશ્ર્ચિમમાં સૂર્યાનગર, પવઈમાં ઈંદિરા નગર, ગૌતમ નગર, પાસપોલી, જયભીમ નગર તેમ જ ભાંડુપ પશ્ર્ચિમમાં રમાબાઈ આંબેડકર નગર એક અને બે, નરદાસ નગર, ગાંવદેવી ટેકડી, ગાંવદેવી માર્ગ, ટેંબીપાડા, રાવતે કમ્પાઉન્ડ, ખિંડીપાડા, રામનગર, હનુમાન નગર, હનુમાન ટેકડી, અશોક ટેકડી, ડકલાઈન માર્ગ, નવજીવન સોસાયટી, તાનાજી વાડી, દર્ગા માર્ગ, ખદાન વિશ્ર્વશાંતિ સોસાયટી જેવા વિસ્તારોમાં રહેલી ઝૂંપડપટ્ટીના નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે.
‘એસ’ વોર્ડમાં ડુંગરાળ વિસ્તારની ઝૂંપડપટ્ટીના નાગરિકોને અન્ય સ્થળે સ્થળાંતર થવાની સાથે જ વોર્ડમાં આવેલી જોખમી ઈમારતોને પણ નોટિસ આપીને તાત્કાલિક ધોરણે અન્ય સ્થળે સ્થાંળતરિત થવાની અપીલ પાલિકાએ કરી છે.