આમચી મુંબઈ

ઈસ્ટર્ન ફ્રી-વે થશે ચકાચક!

ફ્રી-વે પર એક બાજુએ માઈક્રો સર્ફેસિંગ પૂર્ણ, રસ્તાનું આયુષ્ય વધારવા થશે ડામરીકરણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પૂર્વ ઉપનગરના ઘાટકોપરથી દક્ષિણ મુંબઈ સુધી માત્ર ૧૫થી ૨૦ મિનિટમાં પહોંચાડનારો ઈસ્ટર્ન ફ્રી-વે ચકાચક થવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ ‘માઈક્રો-સર્ફેસિંગ’ ટેક્નોલોજીની મદદથી રસ્તાના સમારકામથી લઈને તેને કલર કરવા જેવા અનેક કામ હાથમાં લીધા છે.

ઈસ્ટર્ન ફ્રી-વેનું આયુષ્ય વધારવા માટે મુંબઈ મહાનગરપાલિકા તરફથી આ રસ્તાની બંને તરફ ‘માઈક્રો-સર્ફેસિંગ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડામરના નવા અને મજબૂત આવરણ કરવામાં આવી રહ્યા છે, તેમાંથી મુંબઈની દિશામાં આવતા રસ્તા પર નવ કિલોમીટર અંતરનું ‘માઈક્રો-સર્ફેસિંગ’ પૂરું થયું છે. તો બીજી બાજુએ રસ્તા પર લગભગ દોઢ કિલોમીટરનું અંતરનું પણ કામ પૂરું થયું છે. ‘માઈક્રો-સર્ફેસિંગ’ને કારણે ઈસ્ટર્ન ફ્રી-વેનું આયુષ્ય વધવામાં મદદ મળવાની છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા બાદ ફક્ત બે કલાકમાં જ વાહનવ્યવહાર ફરી ચાલુ કરી દેવામાં આવે છે. આ દરમિયાન ‘માઈક્રો-સર્ફેસિંગ’ની સાથે જ રસ્તાના ડીવાઈડરને કલર કરવાનું ડિવાઈડરમાં રોપાનું વાવેતર, સેફ્ટી વોલનું કલરનું પણ કામ કરવામાં આવી રહ્યું છે.

ઈસ્ટર્ન-ફ્રી વેની દેખરેખ અને સમારકામની જવાબદારી મુંબઈ મહાનગરપાલિકાની છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) મારફત આ રોડનું પાલિકાને હસ્તાંતરણ કરવામાં આવ્યું હતુંં. હસ્તાંતરણની પ્રક્રિયા બાદ આ અત્યંત મહત્ત્વના તેમ જ ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાની યોગ્ય દેખરેખ અને સમારકામ કરવાનો આદેશ પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે આપ્યો હતો. તે મુજબ તેનું કામ કરવામાં આવી રહ્યું છે.

ઈસ્ટર્ન ફ્રી-વે પરના રસ્તાનું આયુષ્ય વધારવા માટે ‘માઈક્રો-સર્ફેસિંગ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં પહેલી વખત આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ જ ઈસ્ટર્ન ફ્રી-વેને ધૂળમુક્ત કરવા રસ્તા સાફ કરીને પાણી ધોવાનું તેમ જ રસ્તા પર રહેલા કાટમાળ અને કચરાને હટાવવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે.

પરંપરાગત રીતે રસ્તાનું પુષ્ઠીકરણ કરતા સમયે રસ્તા પરના ડામરનો સંપૂર્ણ રીતે (લગભગ છ ઈંચ) થર કાઢીને પૂર્ણ રીતે નવો થર નાખવામાં આવે છે. તો ‘માઈક્રો-સર્ફેસિંગ’માં ડામરના રસ્તા ખરાબ થાય નહીં તે માટે તેના પર લગભગ છથી આઠ કિલોમીટરનું મજબૂત એવું આવરણ કરવામાં આવે છે, એ મુખ્ય ફરક છે. ‘માઈક્રો-સર્ફેસિંગ’ દ્વારા એક દિવસમાં સરેરાશ એક કિલોમીટરના રસ્તાનું મજબૂતીકરણ કરવાનું શક્ય છે, જેમાં બાઈંડર, સિમેન્ટ, ઈમલ્શનસ પાણી, ખડી વગેરેનું યોગ્ય મિશ્રણ મશીનની મદદથી તૈયાર કરીને મશીનની મદદથી રસ્તા પર નાખવામાં આવે છે. ત્યારબાદ બે કલાકમાં રસ્તા પર વાહનવ્યવહાર ફરી ચાલુ કરવામાં આવે છે.

પાલિકાએ આ વર્ષે દિવાળી બાદના સમયમાં ઈસ્ટર્ન ફ્રી-વે પર ટ્રાફિકને અસર થાય નહીં તે મુજબ પ્લાનિંગ કરીને દરરોજ રાતના ૧૨ વાગ્યાથી વહેલી સવારના ચાર વાગ્યા સુધી તબક્કાવાર ભક્તિપાર્કથી પી.ડિમેલો રોડ એટલે કે મુંબઈની દિશામાંથી આવનારી બાજુએ ‘માઈક્રો-સર્ફેસિંગ’ પૂરું કર્યું છે. આ અંતર લગભગ નવ કિલોમીટર જેટલું છે, તો બીજી બાજુએ પણ દોઢ કિલોમીટર સુધીના અંતરનું કામ પૂરું કર્યું છે. બહુ જલદી બીજી બાજુનું કામ પણ પૂરું થશે. આ ટેક્નોલોજીની મદદથી રસ્તાનું આયુષ્ય ચારથી પાંચ વર્ષ વધવામાં મદદ મળશે, કારણકે આવરણ નીચે રહેલો ડામરના થર સંપૂર્ણરીતે સુરક્ષિત રહે છે.

ટનલનું ગળતર બંધ

ઈસ્ટર્ન ફ્રી-વે પર ચેમ્બૂર અને પી.ડિમેલો રોડ દિશા તરફ રહેલી ટનલની અંદર પાણીના ગળતરને કારણે વાહનચાલકોને ભારે તકલીફ રહેતી હતી. તેથી આ ગળતરને રોકવા માટે પાલિકાના પૂલ વિભાગે વર્ક ઓર્ડર બહાર પાડ્યા હતા. ટનલમાં લગભગ ૨૦૦થી ૨૫૦ મીટર અંતર સુધી પાણીનું ગળતર થઈ રહ્યું હોવાને કારણે અમુક ઠેકાણે રસ્તાના ઉપરના ભાગને અસર થઈ હતી. તેથી ચેમ્બૂર દિશાથી તેમ જ પી.ડિમેલો માર્ગ દિશા એમ બંને તરફથી પાણીનું ગળતર રોકવા માટે કામ પૂરા કરવામાં આવ્યા છે, જેમાં વોટર પ્રૂૂફિંગ, ગ્રાઉટિંગ, પ્લગિંગ વગેરે કામનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…