આમચી મુંબઈ

મુંબઈમાં પ્રથમ વખત માઈક્રો સરફેસિંગ ટેક્નોલોજીથી ઈસ્ટર્ન ફ્રીવે પર મુસાફરી સરળ બનશે

મુંબઈ: ઈસ્ટર્ન ફ્રીવેનો ઉપયોગ સૌથી વધારે થઇ રહ્યો છે. ત્યારે તે લાંબા લમય સુધી ટકી રહે તે પણ મહત્વનું છે અને તેના માટે બીએમસી ‘માઈક્રો સરફેસિંગ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. જેથી વાહન ચલાવવામાં પણ સરળતા રહેશે. ફ્રીવેની બંને બાજુએ મજબૂત ડામર કોટિંગ કરવામાં આવી રહ્યું છે. મુંબઈની બાજુ 9 કિમીનું ‘માઈક્રો સરફેસિંગ’નું કામ પૂરું થઈ ગયું છે, જ્યારે બીજી બાજુ લગભગ 1.5 કિલોમીટરના અંતર સુધી કામ પૂરું થઈ ગયું છે. ‘માઈક્રો સરફેસિંગ’ની સાથે ફ્રીવેના ડિવાઈડર અને દિવાલોનું પેઈન્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

એમએમઆરડીએ ફ્રીવેની જાળવણીની જવાબદારી બીએમસીને સોંપી છે. જોકે મુંબઈમાં પહેલીવાર ‘માઈક્રો સરફેસિંગ’ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. બીએમસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે દિવાળી બાદ ભક્તિ પાર્કથી પી. ડી’મેલો માર્ગ એટલે કે મુંબઈ તરફ ઇસ્ટર્ન ફ્રીવેનું માઈક્રો સરફેસિંગનું કામ રાતના 12:00 વાગ્યાથી સવારના 4:00 વાગ્યા સુધી કરવામાં આવશે.

ઇસ્ટર્ન ફ્રીવેનું અંતર લગભગ 9 કિમી છે. ફ્રીવેની એક બાજુનું લગભગ દોઢ કિલોમીટરનું કામ પૂરું થવાના આરે છે. ત્યારે ટૂંક સમયમાં બીજી તરફનું કામ પણ પૂરું કરવામાં આવશે. આ ટેક્નોલોજી રોડનું આયુષ્ય લગભગ 4 થી 5 વર્ષ સુધી વધારે દેશે.


આ વર્ષે ચોમાસામાં ચેમ્બુર અને પી. ડી’મેલો રોડ તરફના ઈસ્ટર્ન ફ્રીવે પર ટનલની અંદર પાણીના લીકેજને કારણે ઊભી થયેલી અસુવિધાની ઘણી ફરિયાદો મળી હતી. આ લીકેજને રોકવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં વોટર પ્રુફીંગ, ગ્રાઉટીંગ, પ્લગીંગ જેવા કામો કરવામાં આવ્યા છે.


BMCના એક અધિકારીએ જણાવ્યું કે સામાન્ય રીતે રસ્તાના ડામરનું આખું પડ કે જે લગભગ 6નું હોય છે. તેને હટાવીને નવું લેયર નાખવામાં આવે છે. જ્યારે ‘માઈક્રો સરફેસિંગ’માં ડામર રોડ પર લગભગ 6 થી 8 મિલીમીટરનું કોટિંગ લગાવવામાં આવે છે. આ ટેક્નોલોજીથી એક દિવસમાં સરેરાશ એક કિમીનો રસ્તો સરળતાથી રિપેર કરી શકાય છે. જેમાં બાઈન્ડર, સિમેન્ટ, ઇમલ્સન, પાણી, કાંકરી વગેરેનું યોગ્ય મિશ્રણ મશીન દ્વારા તૈયાર કરીને રસ્તા પર ઠાલવવામાં આવે છે. આ પદ્ધતિથી કામ કરવાથી રોડનું કામ ઝડપથી થાય છે અને વાહન વ્યવહારને ખૂબજ ઝડપથી શરૂ કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button