રિસાઇકલ કરેલું પાણી વેચીને સુધરાઈ કરશે કમાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગંદા પાણી પર પ્રક્રિયા કરીને મેળવવામાં આવનારા પાણીને પીવા સિવાયના અન્ય ઉપયોગ માટે વેચી નાખવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. મુંબઈના પાંચ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદા પાણી પ્રક્રિયા કરીને આશરે ૨.૧૩ કરોડ લિટર પાણી ઉપલબ્ધ થશે. આ પાણીને વેચવા માટે પાલિકાએ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (રસ ધરાવતી કંપનીને આમંત્રણ) આમંત્રિત કર્યા છે. બિડ માટેની અંતિમ તારીખ બે જાન્યુઆરી, ૨૦૨૪ રહેશે.
મુંબઈ મહાનગરપાલિકા દરરોજ ૩,૯૦૦ મિલિયન લિટર (એમએલડી) જેટલો પાણી પુરવઠો મુંબઈને કરે છે. તેની સામે મુંબઈમાં પાણીની માગણી ૪,૫૦૦ એમએલડીની છે. લગભગ ૭૦૦ એમએલડી પાણી ચોરી અને ગળતરે કારણે વેડફાઈ જાય છે. તો ૬૦ ટકાથી વધુ પીવાનું પાણી રસોઈ, નહાવા, વાસણ-કપડા અને વાહન ધોવા જેવા કામમાં વેડફાઈ જાય છે. તેથી પાલિકાએ પીવાલાયક પાણીનો આ વેડફાટ અટકાવવા માટે ગંદા પાણી પર પ્રક્રિયા કરીને તે પાણીનો પીવા સિવાયના અન્ય કામ માટે ઉપયોગ કરવાની યોજના હાથ ધરી છે. તે માટે શહેરમાં પાંચ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરવામાં આવવાના છે. આ પાંચ પ્લાન્ટમાં ગંદા પાણી પર પ્રક્રિયા કરીને મળનારા પાણીને વેચવાનું નક્કી કર્યું છે.
પાલિકાએ કોલાબા, બાણગંગા-વાલકેશ્ર્વર, ચારકોપ-અંધેરી(પશ્ર્ચિમ), માહુલ અને ચેંબુર (પશ્ર્ચિમ)માં પાંચ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદા પાણી પર પ્રક્રિયા કરીને તેમાંથી મળનારા પાણીને વેચવાનો નિર્ણય કર્યો છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ ગંદા પાણી પર પ્રક્રિયા કર્યા બાદ તેને દરિયામાં છોડવામાં આવે છે, તેને કારણે દરિયાઈ જીવોનું રક્ષણ તો થાય જ છે, પરંતુ હવે આ ગંદા પાણી પર પ્રક્રિયા કરીને આ પાણીને પીવા સિવાયના અન્ય ઉપયોગ માટે વેચવામાં આવશે. તેનો ઉપયોગ ગોડાઉન ધોવા, હૉસ્પિટલો, બોટનિક ગાર્ડન અને શૌચાલયો વગેરેમાં થઈ શકે છે.
પાલિકાને કોલાબામાંથી એક કરોડ લિટર, બાણગંગામાંથી ૧૦ લાખ લિટર, ચારકોપમાંથી ૪૫ લાખ લિટર, માહુલમાંથી ૪૩ લાખ લિટર અને ચેંબુરમાંથી ૧૫ લાખ લિટર પાણી ઉપલબ્ધ થશે.
નોંધનીય છે કે મુંબઈને મળનારું પાણી ફક્ત વરસાદના પાણી પર જ આધાર રાખે છે, જે સાત જળાશયોમા સંગ્રહ કરવામાં આવે છે. ૨૦૧૨માં મિડલ વૈતરણા ડેમના બાંધકામ બાદ પાણીના વૈકલ્પિક સ્ત્રોત માટે કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો નથી. જોકે તાજેતરમાં પાલિકાએ મલાડના મનોરીમાં દરરોજ ૨૦૦ મિલિલીટર પાણીની ક્ષમતા ધરાવતા ડિસેલિનેશનલ પ્લાન્ટ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું.