ઈ-વ્હીકલ ક્રાંતિ મુંબઈનું ભવિષ્ય બદલી નાખશે: પરિવહન પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વધતા પ્રદૂષણ, ઈંધણના ભાવમાં વધઘટ અને ટ્રાફિક જામનો સામનો કરી રહેલા મુંબઈના નાગરિકોને મંગળવારે મોટી રાહતનો સંદેશ મળ્યો. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે સ્પષ્ટતા કરી કે, ઈ-વ્હીકલ ક્રાંતિ ફક્ત પરિવહનમાં સુધારો નથી, પરંતુ સ્વચ્છ, સ્વસ્થ અને આર્થિક રીતે સધ્ધર મુંબઈ બનાવવા માટે એક નવી દિશા છે.
મુંબઈમાં પરિવર્તનના ચક્ર – મુંબઈના ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે ઈવી અપનાવવાની સમજ આપવા માટેે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, ઈ-વાહનોના પ્રોત્સાહન, ડ્રાઈવરોના આર્થિક સશક્તિકરણ અને પર્યાવરણને અનુકૂળ મુંબઈના ખ્યાલ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
સરનાઈકે કહ્યું હતું કે, ‘રાજ્ય સરકારે મુંબઈ અને મહારાષ્ટ્રને ગ્રીન ટ્રાન્સપોર્ટનું હબ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પહેલની સફળતા માટે ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની સક્રિય ભાગીદારી પાયો બનશે. ઈ-વાહનો માત્ર પર્યાવરણને અનુકૂળ વાહનો જ નથી, પરંતુ ડ્રાઈવરોને ઈંધણના ખર્ચમાંથી મુક્તિ અને વધુ આવકની તક પણ પૂરી પાડે છે.’ ‘સ્વચ્છ, સ્વસ્થ અને આર્થિક રીતે સમૃદ્ધ મુંબઈ બનાવવું એ આપણી સામૂહિક જવાબદારી છે. આ ઈ-વાહન ક્રાંતિ દરેકના સંયુક્ત પ્રયાસો દ્વારા જ સફળ થશે,’ એમ પણ પ્રતાપ સરનાઈકે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પણ વાંચો…કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પરિવહન ક્ષેત્રના બે મહત્વ પૂર્ણ પ્રોજેક્ટને મળી મંજૂરી, જાણો ખાસીયત…