આમચી મુંબઈટોપ ન્યૂઝ

ધૂળ છે મુંબઈના ઝેરી પ્રદૂષણનો વિલન નં. વન…

સુધરાઈની પ્રદૂષણ સામે જંગ: રસ્તાઓ પર બબ્બે શિફટમાં પાણીમારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈગરા છેલ્લા થોડા દિવસથી પોતાના શ્વાશમાં ઝેર લઈ રહ્યા છે. પાટનગર દિલ્હીની માફક જ હવે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા સતત કથળી રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ફરી એક વખત શહેરના નાના અને મોટા તમામ રસ્તાઓને ધોવાનું ચાલુ કરી દીધું છે.

આ પણ વાંચો : …તો ફેબ્રુઆરીથી મુંબઈના દરિયામાં દોડાવાશે E-Speed Boat, શું થશે રાહત જાણો?

જેમાં અત્યંત વ્યસ્ત રસ્તાઓ પર નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવા માટે ટ્રક-માઉન્ટ ફૉગ મિસ્ટ કૅનન મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રસ્તા પરની ધૂળને દૂર કરવા માટે રસ્તા ધોવા માટે ૧૦૦ ટેન્કરોને તહેનાત કરવામાં આવ્યા છે, વધુમાં ઈ-સ્વીપર મશીનનો ઉપયોગ કરીને ધૂળને ફેલાતી રોકવા માટે શેરીઓ તથા ફૂટપાથને સાફ કરવામાં આવી રહી છે.

મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી હવાની ગુણવત્તા કથળી ગઈ છે, જેના કારણે નાગરિકોના આરોગ્યના અસર થઈ રહી છે. હવાની ગુણવત્તા એટલે કે ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) બગડવામાં ધૂળનો નોંધપાત્ર ફાળો છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવાની ગુણવત્તા સુધારવા માટે પાલિકાએ તેનો ડસ્ટ મિટિગેશન પ્લાન લાગુ કરી રહી છે.

શુક્રવારે મુંબઈમાં અનેક વિસ્તારોમાં એક્યુઆઈ અત્યંત નબળી શ્રેણીમાં નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા મુજબ સૌથી નબળો એક્યુઆઈ બોરીવલી (પૂર્વ)માં ૨૦૬, નેવી નગર-કોલાબામાં ૨૬૩, મઝગાવમાં ૨૦૭ અને મલાડ પશ્ર્ચિમમાં ૨૬૪ એક્યુઆઈ નોંધાયો હતો.

પાલિકાએ પર્યાવરણ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, બિલ્ડિંગ પ્રપોઝલ, રોડ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક વોર્ડ ઓફિસ દ્વારા શહેરમાં વાયુ પ્રદૂષણ રોકવા માટે અનેક પગલાં હાથ ધર્યાં છે. પાલિકાના તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડમાં બે શિફ્ટમાં ટ્રક-માઉન્ટેડ ફોગ મિસ્ટ કેનન મશીન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જ્યાં બાંધકામ, ડિમોલિશન અને ખોદકામનું કામ ચાલી રહ્યું છે તેવા સ્થળોએ પાણીનો છંટકાવ સતત કરવામાં આવી રહ્યો છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પર્યાવરણ વિભાગના સબ-એન્જિનિયર દરેક વોર્ડના વિવિધ વિભાગો સાથે સંકલન કરી રહ્યા છે. દૈનિક રીતે સાઈટનું ઈન્સ્પેકશન કરી રહ્યા છે. રસ્તાનું બ્રશિંગ કરીને રસ્તા ધોવા માટે ૧૦૦ ટેન્કરો તહેનાત કરવામાં આવ્યા છે, તેમાં ૫,૦૦૦ લિટરની ક્ષમતાના ૬૭ ટેન્કર અને ૯૦૦૦ લિટરની ક્ષમતાના ૩૯ ટેન્કરનો સમાવેશ થાય છે. ખુલ્લી જગ્યામાં રહેલા ક્ધસ્ટ્રકશન મટિરિયલ પર દૈનિક રીતે પાણીનો છંટકાવ કરવા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમ જ કાટમાળ અને બાંધકામ રો-મટિરિયલને ટ્રકમાં ઉપરથી ઢાંક્યા વગર ખુલ્લી રીતે લઈ જવામાં આવે છે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Good News: ‘ત્રીજા મુંબઈ’ માટે MMRDAએ કામકાજના કર્યાં શ્રીગણેશ

છ વાગ્યા સુધીમાં ૨૮૮ કિલોમીટર રસ્તા સાફ

સુધરાઈએ શુક્રવારે સાંજે છ વાગ્યા સુધીમાં ૨૪૮ કિલોમીટરના રસ્તાઓને સાફ કરીને ધોયા હતા. સફાઈ કામગીરીમાં પાણીના ટેન્કર, ફાયરેક્સ મશીનનો અને મિસ્ટિંગ મશીન સહિત ૯૫ મશીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૯૮ વાહનો જેમાં જેસીબી ટેન્કર, ડમ્પર, મેકેનિકલ સ્વીપર, ઈ-સ્વીપર, કચરો ઉપાડનારા, તેમ જ ધૂળ અને કાટમાળને ભેગો કરીને તેનું પરિવહન કરનારાં વાહનોનો સમાવેશ થાય છે. દિવસ દરમ્યાન કુલ ૧૫૯ ટન કાટમાળ જમા કરવામાં આવ્યો હતો અને તેને પ્રોસેસિંગ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. વધુમાં ૩૫૨ ક્લીનઅપ માર્શલોએ સાર્વજનિક સ્થળ પરથી ૫૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.

મલાડમાં સૌથી વધુ પ્રદૂષણ

બીકેસી, ૧૫૩, બોરીવલી(પૂર્વ) ૨૦૬, ભાયખલા ૧૩૫, ચેમ્બુર ૧૨૨, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ ૧૫૦, કોલાબા ૧૧૬, દેવનાર ૧૯૫, ઘાટકોપર ૧૨૬, કાંદિવલી (પૂર્વ) ૧૧૭, કાંદિવલી (પશ્ર્ચિમ) ૧૪૬, ખેરવાડી-બાન્દ્રા ૧૩૨, ભાંડુપ, ૧૦૩, કુર્લા ૧૨૨, મલાડ (પશ્ર્ચિમ) ૨૬૪, મઝગાંવ ૨૦૭, માઈન્ડસ્પેસ-મલાડ ૧૩૪, મુલુંડ (પશ્ર્ચિમ) ૧૧૪, નેવી નગર-કોલાબા ૨૬૩ એક્યુઆઈ નોંધાયો હતો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button