ગણેશોત્સવ દરમિયાન વંદે ભારત ટ્રેનમાં પ્રવાસીઓને મળશે મોદકનો પ્રસાદ
આઈઆરસીટીસીએ ૪૫૦૦ મોદકનો ઓર્ડર આપ્યો

મુંબઈ: આખા મહારાષ્ટ્ર સહિત કોંકણમાં ગણેશોત્સવ ભારે ઉત્સાહથી ઊજવવામાં આવતો હોય છે. આઈઆરસીટીસી પણ હવે તેમાંથી બાકાત નથી રહેવાનું. ગણેશોત્સવમાં પ્રવાસીઓ માટે આઈઆરસીટીસીએ પણ જોરદાર તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યમાં દોડતી પાંચેય વંદે ભારત ટ્રેનમાં ગણેશોત્સવ નિમિત્તે પ્રવાસીઓને મોદક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને પ્રસાદ મળી રહે એ માટે આઈઆરસીટીસીએ ૪૫૦૦ મોદકનો ઓર્ડર આપી દીધો છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
લાડકા બાપાનું આગમન મંગળવારે થવાનું છે. એ નિમિત્તે હોટેલ, મોલ્સ સજ્જ થઇ ગયાં ગોઇ ગણેશોત્સવમાં ગ્રાહકો માટે વિવિધ સ્કીમ મૂકવામાં આવી છે. અમુક વિમાન કંપનીએ પણ પ્રવાસીઓ માટે ખસ્તા કચોરી, પોરણપોળી આપવાનો નિર્ણય લીધો છે. આઈઆરસીટીસીએ વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને ખાદ્યપદાર્થમાં મોદક આપવાનો નિર્ણય લીધો છે.
સીએસએમટી-શિરડી, સોલાપુર, માડગાંવ, નાગપુર-બિલાસપુર અને મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ પાંચેય વંદે ભારત ટ્રેનમાં મોદક આપવામાં આવશે. આઈઆરસીટીસીને આ માટે ૪૫૦૦ ઓર્ડર આપ્યો છે. અમુક મોદક તેના કિચનમાં જ બનાવવામાં આવશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.