આમચી મુંબઈ

બ્રાન્ડેડ કંપનીના ₹ ૩.૨૬ કરોડના ડુપ્લિકેટ સ્પોર્ટ્સ શૂઝ જપ્ત: ત્રણ પકડાયા

મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે બાંદ્રા પશ્ર્ચિમમાં ત્રણ શોપ અને ગોદામમાં રેઇડ પાડી બ્રાન્ડેડ કંપનીના રૂ. ૩.૨૬ કરોડની કિંમતના ડુપ્લિકેટ સ્પોર્ટ્સ શૂઝ જપ્ત કર્યા હતા. પોલીસે આ પ્રકરણે ત્રણ જણને ઝડપી પાડ્યા હતા, જેમની વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈમાં અનેક મોલ અને શોરૂમમાં બ્રાન્ડેડ કંપનીનું નામ અને લોગો સાથેના ડુપ્લિકેટ સ્પોર્ટ્સ શૂઝ વેચવામાં આવતા હોવાની ફરિયાદ મળ્યા બાદ તપાસ હાથ ધરાઇ હતી. એવામાં પ્રોપર્ટી સેલને
સોમવારે માહિતી મળી હતી કે બાંદ્રા
પશ્ર્ચિમમાં લિંકિંગ રોડ પર મૉલમાં આવેલી દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ સ્પોર્ટ્સ શૂઝ અને સ્લિપર્સ સંગ્રહ કરી રાખવામાં આવ્યા છે અને તે લોકોને વેચવામાં આવી રહ્યા છે.
આ માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે મૉલમાં આવેલી ત્રણ દુકાન તેમ જ ત્રણ ગોદામમાં રેઇડ પાડી હતી અને રૂ. ૩.૨૬ કરોડની કિંમતના સ્પોર્ટ્સ શૂઝ જપ્ત કર્યા હતા. આ પ્રકરણે અબ્દુલ લતીફ શેખ, અકબર મુફીત ખાન અને મોહંમદ તારીક મોહંમદ ફારુક શેખને તાબામાં લેવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button