૧૭ જગ્યાએ સેમ ટુ સેમ?એક જ નામના ડમી ઉમેદવારોએ લીધા હજારો મત

મુંબઈ: શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે, પણ હાલમાં પાર પડેલી લોકસભાની ચૂંટણી અને એમાં રચાયેલા રાજકીય દાવપેચ પર નજર કરીએ તો નામમાં ઘણું બધું રાખ્યું છે. મતદારોની દિશાભૂલ કરવા માટે લડાઈમાં ભ્રમ ઊભો કરવા માટે ઉમેદવારોનાં નામની કે પછી તેની સરનેમમાં સરળતા હોય એવી વ્યક્તિને મેદાનમાં ઉતારવામાં આવી હતી.
રાજ્યમાં ૪૮ લોકસભા મતદારસંઘપૈકી અંદાજે ૧૭ મતદારસંઘમાં આવા ડમી ઉમેદવારને ઊભા કરવામાં આવ્યા હતા. આ ડમી ઉમેદવારોને જીતવા કે હારવાથી કોઇ લાગતુંવળગતું નહોતું પણ તેઓએ આ ચૂંટણીમાં આમ કરીને અસંખ્ય મતો મેળવી લીધા હતા.
રાજકારણમાં હરીફ ઉમેદવારને હરાવવા માટે અનેક દાવપેચ કરવામાં આવતા હોય છે. આમાંનો એક દાવપેચ એટલે મતદારોમાં ભ્રમ ઊભો કરવાનો અને એટલે જ એકસરખા નામવાળા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવતા હોય છે. લોકસભા ચૂંટણીમાં આ યુક્તિનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ૧૭ લોકસભા મતદારસંઘ એવા હતા જેમાં મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારોનાં નામ જેવા જ અન્ય નામધારીઓને મેદાનમાં આવ્યા હતા. ૧૭ મતદારસંઘમાંથી ૨૦ ડમી ઉમેદવારોએ તેમનાં નસીબ અજમાવ્યાં હતાં. જોકે મેદાનમાં ઊતરેલા આમાંના એક પણ ઉમેદવારને વિજય નહોતો મળ્યો, પણ તેઓ સારા એવા વોટ ખેંચ્યાં હતા.
આ પણ વાંચો : Lok Sabha Election 2024: નવી લોકસભામાં 24 Muslim સાંસદો, એક જેલમાંથી ચૂંટણી જીત્યા
આ મતદારસંઘમાં એક જ સરખાં ઉમેદવારોનાં નામ હતાં
અમરાવતી, બારામતી, ભિવંડી, દિંડોરી, હિંગોલી, જળગાંવ, લાતુર, માવળ, મુંબઈ ઉત્તર પૂર્વ, દક્ષિણ મુંબઈ, ઉસ્માનાબાદ, પરભણી, રાયગડ, રત્નાગિરિ-સિંધુદુર્ગ, રાવેર, શિરડી અને વર્ધા મતદારસંઘમાં ઉમેદવારોનાં એક જ સરખાં નામ જોવા મળ્યાં હતાં. કોઇકનાં નામ તો કોઇની સરનેમ એકસરખી હોવાનું જાણવા મળ્યું હતું.