આમચી મુંબઈ

શિક્ષકોની લેણી રકમ: અદાલતના આદેશનું પાલન નહીં કરવા બદલ શિક્ષણ ખાતાના સચિવને વોરંટ

નાગપુર: શિક્ષકોના બાકી પગાર અને લેણી નીકળતી અન્ય રકમની ચુકવણી અંગે અદાલતે જારી કરેલા આદેશનું પાલન નહીં કરવા બદલ બોમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠ દ્વારા મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગના સચિવ અને ઉચ્ચ સચિવને બિન જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે. ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ ચૌહાણ અને ન્યાયમૂર્તિ ઉર્મિલા જોશી – ફાળકેની ખંડપીઠ સમક્ષ બુધવારે ચિત્રા મેહેરની અરજીની સુનાવણી થઈ હતી. અદાલતના આદેશનું પાલન ન કરવા બદલ સંબંધિત અધિકારીઓ સામે અદાલતના અવમાનના પગલાં લેવા માટે અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી.

શ્રીમતી મેહેરના વકીલ આનંદ પરચુરેએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓને ભણાવવા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા શિક્ષકોને ‘કુશળ શિક્ષકો’ના પગારના ધોરણ અનુસાર પગાર નથી ચૂકવવામાં આવ્યા. શ્રીમતી મેહેર સહિત કેટલાક શિક્ષકોએ ૨૦૧૮માં હાઈ કોર્ટના દરવાજા ખટખટાવી પગાર ધોરણ અનુસાર વેતનની માગણી કરી હતી. ૨૦૨૨માં હાઇ કોર્ટે અરજદારોને લેણી નીકળતી ૨.૧૩ કરોડની રકમ ચૂકવી દેવા આદેશ આપ્યો હતો. તેમ છતાં કોઈ ચુકવણી નહીં થઈ હોવાથી ગયા વર્ષે શિક્ષકોએ અરજી દાખલ કરી હતી. સપ્ટેમ્બરમાં અદાલતે શિક્ષણ વિભાગના સચિવને પહેલી નવેમ્બરે હાજર રહેવા જણાવ્યું હતું, પણ સચિવ હાજર નહોતા થયા. ખંડપીઠે નાગપુર પોલીસ કમિશનરને વ્યક્તિગત ધોરણે વોરંટનો અમલ કરવા જણાવી અધિકારીઓને છ નવેમ્બરે અદાલતમાં હાજર કરવા કહ્યું છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button