આવતીકાલે મુંબઈમાં પોપ સિંગર દુઆ લિપાનો કોન્સર્ટ, ટ્રાફિક પોલીસની એડવાઈઝરી જાણો?
મુંબઈઃ ગ્રેમી એવોર્ડ વિજેતા અને આંતરરાષ્ટ્રીય પોપ સિંગર દુઆ લિપા આ દિવસોમાં મુંબઈમાં છે. ૩૦ મી નવેમ્બરે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે ઝોમેટો ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. અહીંના કાર્યક્રમમાં પોપ સિંગર દુઆ લિપા આ કાર્યક્રમમાં હાજરી આપશે.
કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી અપેક્ષા છે. તેથી, મુંબઈ ટ્રાફિક પોલીસે બીકેસી અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકજામ થાય નહીં તેના માટે મહત્ત્વની એડવાઈઝરી જારી કરી છે. અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ૩૦ નવેમ્બરના રોજ બપોરે ૧ વાગ્યાથી મધ્યરાત્રિ સુધી ટ્રાફિક પ્રતિબંધ લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીકેસી અને તેની આસપાસના મહત્ત્વના રસ્તાઓ બંધ રહેશે. જાણી લો ટ્રાફિક પ્રભાવિત રસ્તાની યાદી.
આ પણ વાંચો :મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર સબ-વે બનાવવાનું કામ શરૂ: ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ
- વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે, ધારાવી અને બાંદ્રા વરલી સી લિંકથી કુર્લા આવનારા વાહનોને ભારત નગર જંક્શન થઈને જવાની મંજૂરી નથી.
- સંત જ્ઞાનેશ્વર નગરથી કુર્લા તરફ આવતા વાહનોને ભારત નગર જંક્શન પાસે પ્રતિબંધ રહેશે.
- ખેરવાળી સરકારી કોલોની, કાણકિયા પેલેસ, યુટીઆઈ ટાવરથી બીકેસી, ચુનાભટ્ટી અને કુર્લા તરફ આવતા વાહનો પર પ્રતિબંધ રહેશે.
- કુર્લા અને રઝાક જંક્શનથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે, ધારાવી અને બાંદ્રા વરલી સી-લિંક તરફ જતા વાહનોને પ્લેટિના જંક્શનથી ભારત નગર જંક્શન થઈને જવું પડશે.
- સીએસટી રોડથી એમએમઆરડીએ ગ્રાઉન્ડ અને જેએસડબલ્યુ તરફ જતા રસ્તા પર વાહનો પર પ્રતિબંધ રહેશે. તેના બદલે વાહનોએ યુટીઆઈ ટાવર અને કાણકિયા પેલેસ થઈને જવું પડશે.
- અંબાણી સ્ક્વેરથી ડાયમંડ જંકશન અને લક્ષ્મી ટાવરથી નાબાર્ડ જંકશન સુધીનો રસ્તો બંધ રહેશે.