દારૂડિયા ટેમ્પોચાલકની પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી: ચેકપોસ્ટમાં કરી તોડફોડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

દારૂડિયા ટેમ્પોચાલકની પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી: ચેકપોસ્ટમાં કરી તોડફોડ

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં બ્રેથ એનલાઇઝર ટેસ્ટ કરવાનું કહ્યા બાદ ઉશ્કેરાયેલા દારૂડિયા ટેમ્પોચાલકે પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરવા સાથે તેમની ચેકપોસ્ટમાં તોડફોડ પણ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગુરુવારે રાતે આ ઘટના બની હતી અને પોલીસે ટેમ્પોચાલક મહેશ મલ્હારી સાળુંકે (40) સામે ગુનો દાખલ કર્યો હતો, એમ કોલશેવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.

ચક્કી નાકા પોઇન્ટ પર નિયમિત ચેકિંગ દરમિયાન પોલીસે ટેમ્પોને રોક્યો હતો અને તેનો ચાલક દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. ચાલકે મંજૂરીની મર્યાદાથી વધુ દારૂ પીધો છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેને બ્રેથ એનલાઇઝર ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

આપણ વાચો: નાગપુરમાં ગડકરીની હાજરીમાં બે મહિલા અધિકારીમાં ધક્કામુક્કી, વીડિયો થયો વાઈરલ

જોકે ઉશ્કેરાયેલા ટેમ્પોચાલકે પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડીને તેમને ધમકી આપી હતી અને પોતે આત્મહત્યા કરશે, એવું કહ્યું હતું. ટેમ્પોચાલકે બાદમાં પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરી હતી અને પોલીસ ચેકપોસ્ટની બારી પર પોતાનું માથું અફાળ્યું હતું, જેને કારણે બારીનો કાચ તૂટી ગયો હતો. તેણે ચેકપોસ્ટમાં તોડફોડ કરી હતી અને કમ્પ્યુટરના વાયર કાપી નાખ્યા હતા.

આ ઘટનામાં ટેમ્પોચાલકને ઇજા પણ થઇ હતી. ટેમ્પોચાલક વિરુદ્ધ કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button