લાલબાગમાં નશામાં ધૂત પેસેન્જરે કર્યો બેસ્ટ બસનો અકસ્માત, 9 મુસાફરો ગંભીર રીતે ઘાયલ
મુંબઇઃ મહારાષ્ટ્રના મહત્વના તહેવાર એવા ગણેશોત્સવ આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે અને લોકો બાપ્પાના આગમનને વધાવવા માટે ધૂમ ખરીદીમાં પડ્યા છે ત્યારે મુંબઈના લાલબાગ વિસ્તારમાં એક ભયાનક ઘટના બની છે. અહીં એક વિચિત્ર બસ અકસ્માત થયો હતો, જેમાં 8 થી 9 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ લાલબાગના ભીડભાડવાળા વિસ્તારમાં એક બસ ઘૂસી ગઈ હતી અને તેણે અનેક મુસાફરો તેમજ કારને ટક્કર મારી હતી. આ ઘટના રવિવારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ બની હતી. બેસ્ટ બસ 66 નંબર (MH-01-CV-8815)નો ડ્રાઇવર કમલેશ પ્રજાપતિ (40) બસને લઇને લાલબાગ સિગ્નલ નજીક ગણેશ ટોકીઝ પાસે પહોંચ્યો હતો. ત્યાર બાદ બસમાં મુસાફરી કરી રહેલા નશામાં ધૂત પેસેન્જર દત્તા મુરલીધર શિંદે (ઉંમર 40)એ ડ્રાઇવર સાથે દલીલ અને મારપીટ શરૂ કરી હતી. નશામાં ધૂત શિંદેએ બળજબરીથી સ્ટિયરિંગ વ્હીલ પર કાબૂ મેળવી લેતા બેસ્ટ બસે નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ બેફામ દોડવા લાગી હતી.
ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ત્રણ વાહનો સાથે અથડાઈ હતી અને રાહદારીઓને ટક્કર મારી હતી, જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. જોકે, ત્યાર બાદ બસ ચાલકે સમયસર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. ઈજાગ્રસ્તોમાંથી છને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે ત્રણને ગંભીર ફ્રેક્ચર થયું હતું. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બેસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે બેસ્ટની ઇલેક્ટ્રિક બસ દક્ષિણ મુંબઈના બેલાર્ડ પિયરથી સાયનના રાણી લક્ષ્મીબાઈ ચોક તરફ જઈ રહી હતી, ત્યારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નશામાં ધૂત મુસાફરની અટકાયત કરવામાં આવી છે અને તેની સઘન તપાસ ચાલી રહી છે.