આમચી મુંબઈ

દારૂ પાર્ટી કરીને બીચ પર માણસો પર એસયુવી ચડાવી?

વર્સોવા બીચમાં એકના મોતના કેસમાં પોલીસ આની તપાસ કરી રહી છે: મુંબઈ આવતા પહેલાં લોનાવલા શું કામ રોકાયા હતા?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જોયરાઈડ માટે એસયુવી બેફામ હંકારી વર્સોવા બીચમાં સૂતેલા એકના મોત માટે જવાબદાર આરોપીઓ દારૂની પાર્ટી કરીને બીચ પર ગયા હતા કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. અંધેરીમાં રહેતા મિત્રને મળવા આવતાં પહેલાં આરોપી લોનાવલામાં રોકાયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. એસયુવી ચલાવનારા અને ઘટના સમયે એસયુવીમાં હાજર બન્ને વિરુદ્ધ પોલીસે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો.

વર્સોવા બીચ પર સૂતેલા રિક્ષા ડ્રાઈવર ગણેશ યાદવ (35) અને તેના મિત્ર બબલુ શ્રીવાસ્તવ (32) પર મંગળવારની વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ એસયુવી ફરી વળી હતી. આ ઘટનામાં યાદવનું મૃત્યુ થયું હતું, જ્યારે શ્રીવાસ્તવ ગંભીર રીતે ઘવાયો હતો. ઘટના બાદ આરોપી વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

સ્થાનિક રહેવાસીએ મોબાઈલ ફોનની મદદથી એસયુવીનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. એસયુવીના રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરતાં તે નાગપુરના સતીશ એસ.ના નામે રજિસ્ટર્ડ હોવાની જણાયું હતું.

વર્સોવા પોલીસે ઘટનાના ત્રણ કલાકમાં જ એસયુવીને નાશિક નજીકના ઈગતપુરી ખાતે ટ્રેસ કરી બે આરોપીને પકડી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નિખિલ જાવલે (34) અને શુભમ ડોંગરે (33) તરીકે થઈ હતી. કોર્ટે બન્ને આરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપીઓ વિરુદ્ધ સદોષ મનુષ્યવધ સહિત ભારતીય ન્યાય સંહિતાની અન્ય સુસંગત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મુંબઈમાં વધુ એક હીટ એન્ડ રન કેસ, SUVએ વર્સોવા બીચ પાસે સુતાએ બે લોકોને કચડ્યા

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જાવલે નાગપુરનો રહેવાસી છે અને તેનો મિત્ર શુભમ નવી મુંબઈનો રહેવાસી છે. જાવલે મિત્રો સાથે નાગપુરથી નીકળીને લોનવાલા પિકનિક માટે રોકાયો હતો. ત્યાંથી અંધેરીના લોખંડવાલા ખાતે રહેતા એક મિત્રને તેના કઝિનના લગ્નની શુભેચ્છા આપવા આવ્યો હતો. અંધેરીથી પાછા ફરતાં પહેલાં શુભમ સાથે તે વર્સોવા બીચ ગયો હતો.

ઘટના સમયે એસયુવી જાવલે ચલાવી રહ્યો હતો. પોલીસે બન્નેના લોહીનાં સૅમ્પલ તપાસ માટે ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં. વર્સોવા આવવા પહેલાં મિત્રોએ દારૂની પાર્ટી કરી હતી કે કેમ તેની ખાતરી પોલીસ કરવા માગે છે. આ પ્રકરણે આરોપીઓની વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button