મુલુંડમાં દારૂના નશામાં ઓડી કાર ચલાવી રિક્ષાને અડફેટે લીધી: ચાર જખમી
કાર ઘટનાસ્થળે છોડી ફરાર થઈ ગયેલા આરોપીની બહેનના ઘરેથી ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં દારૂના નશામાં ઓડી કાર પૂરપાટ વેગે દોડાવી રિક્ષાને અડફેટે લેનારા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં તેની બહેનના ઘરેથી પકડી પાડ્યો હતો. કારની ટક્કરથી એક રિક્ષા બીજી રિક્ષા સાથે ભટકાઈ હતી, જેને કારણે બન્ને રિક્ષા ડ્રાઈવર સહિત ચાર જણ ગંભીર રીતે ઘવાયા હતા.
મુલુંડ પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સવારે 6.15 વાગ્યાની આસપાસ મુલુંડ પશ્ર્ચિમમાં ડમ્પિંગ રોડ ખાતે બની હતી. આ કેસમાં આઈટી કંપનીમાં કામ કરતા વિજય ગોરે (43)ની ધરપકડ કરવામાં આવી હતી.
આ પન વાચો : ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટની ટ્વિન ટનલના કામનું વડાપ્રધાન મોદીના હસ્તે શનિવારે ભૂમિપૂજન
અધિકારીએ જણાવ્યું હતું કે દારૂના નશામાં આરોપીએ કાર બેફામ હંકારી હતી, જેને કારણે તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર સામેથી આવેલી રિક્ષા સાથે ટકરાઈ હતી. પછી એ રિક્ષા બીજી રિક્ષા સાથે ભટકાઈ હતી. એક રિક્ષામાં હાજર બે પ્રવાસી સહિત ચાર જણ ઘવાયા હતા. અકસ્માત બાદ આરોપી કાર ઘટનાસ્થળે જ છોડી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં મુલુંડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જખમીઓને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર બાદ તેમની તબિયત સુધારા પર હોવાનું કહેવાય છે.
ઓડી કારમાંથી પોલીસને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેને આધારે પોલીસે તપાસ કરતાં આરોપી કાંજુર માર્ગ પશ્ર્ચિમમાં રુણવાલ ફોરેસ્ટ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ આરોપીના ઘરે પહોંચી ત્યારે તેના ઘરને તાળું લગાવેલું હતું. તપાસ બાદ કાંજુર માર્ગ પૂર્વમાં રહેતી બહેનના ઘરેથી આરોપીને તાબામાં લેવાયો હતો.
મુલુંડની જનરલ હૉસ્પિટલમાં આરોપીની તબીબી તપાસ કરાવાઈ હતી. તેના મોંમાંથી દારૂની વાસ આવતી હોવાની તબીબી અહેવાલમાં ખાતરી થઈ હતી. આરોપીના લોહીના નમૂના વધુ તપાસ માટે કલિનાની ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.