1.61 કરોડનું ડ્રગ્સ, કોડીન મિશ્રિત કફ સિરપની 900 બોટલો જપ્ત: બે નાઇજીરિયન સહિત ચારની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) દેવનાર, કુર્લા અને આગ્રીપાડા વિસ્તારમાંથી 1.61 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને કોડીન મિશ્રિત કફ સિરપની 900 બોટલો જપ્ત કરી હતી. આ પ્રકરણે બે નાઇજીરિયન નાગરિક સહિત ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓની ઓળખ ફૅથ ઇગ્નિબોસા (25), મોહંમદ બાપ્ટિસ્ટા (24), સંજીબ સરકાર (40) અને નયુમ શેખ (28) તરીકે થઇ હતી. ચારેય હાલ પોલીસ કસ્ટડીમાં છે.
એએનસીના ઘાટકોપર યુનિટનો સ્ટાફ બુધવારે દેવનાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ચોરીછૂપેથી કોડીન મિશ્રિત કફ સિરપની બોટલો વેચનારા નયુમ શેખને તેમણે તાબામાં લીધો હતો. નયુમ શેખ સાથે આવી 900 બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત 4.50 લાખ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: નવી મુંબઈમાં 2024માં ડ્રગ્સ સંબંધી 654 ગુના નોંધાયા: 33.27 કરોડનો ડ્રગ્સ જપ્ત
બીજી તરફ આ જ યુનિટના અધિકારીઓએ કુર્લા પૂર્વમાં પેટ્રોલિંગ દરમિયાન સંજીબ સરકાર નામના પેડલરને પકડી પાડ્યો હતો. સંજીબ પાસેથી 1.18 કરોડ રૂપિયાનું કિંમતનું કોકેઇન મળી આવ્યું હતું. આથી સંજીબ સામે ગુનો દાખલ કરાયો હતો.
દરમિયાન વરલી યુનિટની ટીમે પણ બુધવારે મળેલી માહિતીને આધારે આગ્રીપાડા વિસ્તારમાં છટકું 42.50 લાખ રૂપિયાની કિંમતના 170 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે નાઇજીરિયનની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એન્ટિ-નાર્કોટિક્સ સેલે 2024માં કુલ 93 ગુના દાખલ કરી 184 પેડલરની ધરપકડ કરી હતી, જેમની પાસેથી 6063 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું.