
પુણે: પુણેની સસૂન હૉસ્પિટલમાંથી ડ્રગમાફિયા લલિત પાટીલ ફરાર થવાના કેસમાં યેરવડા જેલના ચીફ મેડિકલ ઑફિસરને લૉકઅપભેગા કર્યા બાદ પુણે પોલીસે હૉસ્પિટલના મેડિકલ ઑફિસરની પણ ધરપકડ કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ સસૂન જનરલ હૉસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉ. પ્રવીણ દેવકાતેની સોમવારની મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી. સારવાર માટે લલિત પાટીલને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે એક આરોપી મારફત ડૉ. દેવકાતે સતત પાટીલના સંપર્કમાં હતા, એવું પોલીસ તપાસમાં જણાયું હતું.
હૉસ્પિટલમાંથી પાટીલને ફરાર થવામાં દેવકાતેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાની શંકા પોલીસને છે. કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગના કેસમાં સંડોવાયેલો પાટીલ બીજી ઑક્ટોબરે સસૂન હૉસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. પાટીલને એક્સ-રે માટે લઈ જવાઈ રહ્યો હતો ત્યારે તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો હતો. જોકે બાદમાં 17 ઑક્ટોબરે બેંગલુરુથી તેને ફરી પકડી પાડવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે સોમવારે જ યેરવડા જેલના ચીફ મેડિકલ ઑફિસર (સીએમઓ) ડૉ. સંજય કાશીનાથ માર્સલેની ભારતીય દંડ સંહિતાની કલમ 223 અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી. પાટીલને સારવારને બહાને જેલમાંથી હૉસ્પિટલમાં શિફ્ટ કરાવવા માર્સલે ગયા હતા, એવું પોલીસનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે પુણે પોલીસે 30 સપ્ટેમ્બરે સસૂન હૉસ્પિટલ બહારથી બે કરોડ રૂપિયાના મેફેડ્રોન સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસ હૉસ્પિટલ કૅન્ટીનના સ્ટાફર સુધી પહોંચી હતી. તે સમયે સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ લલિત પાટીલ દ્વારા આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું હોવાનું કૅન્ટીનના સ્ટાફે પોલીસને કહ્યું હતું.
પાટીલ હૉસ્પિટલમાંથી ફરાર થયા બાદ પોલીસની ફરજમાં બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ આ મામલે નવ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર રેઇડ કરી પોલીસે એ કેસમાં અંદાજે 300 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ કેસમાં સંડોવણી સામે આવ્યા પછી પાટીલ હૉસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. (પીટીઆઈ)