ડ્રગ તસ્કર અલી અસગર શિરાજી કેસ ઇડીના દેશભરમાં ૧૩ જગ્યાએ દરોડા
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર કરનાર કૈલાસ રાજપૂતના સહયોગી અલી અસગર શિરાજીના કેસમાં મુંબઈ, લખનઊ, દિલ્હી અને અમદાવાદ સહિત દેશભરમાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા છે.
ઇડી એ ૫ જાન્યુઆરીએ શિરાજીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ઇડીએ મુંબઈ, લખનૌ, દિલ્હી અને અમદાવાદમાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ૨ કરોડ ૧૭ લાખની રોકડ રકમ અને ફિક્સ ડિપોઝિટ સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
આ સિવાય ઇડી એ કહ્યું કે મોબાઈલ, લેપટોપ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. કૈલાશ રાજપૂતના ગોરખધંધો કરનાર અલી અસગર પરવેઝ આગા શિરાજીને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ૨૨ મેના રોજ એર કાર્ગોમાં છુપાવીને ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં ૮ કરોડ રૂપિયાના એફેડ્રિનની દાણચોરી કરવા બદલ ધરપકડ કરી હતી.
તે દુબઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીએ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને જાણ કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ટોળકીએ ધરપકડ પહેલા છ મહિનાના સમયગાળામાં ૭૨ વખત માદક દ્રવ્યો વિદેશ મોકલ્યા હતા. આ કેસમાં શિરાજી ઉપરાંત આઠ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
અગાઉ પણ ઇડી એ આ મામલામાં ઓક્ટોબર ૨૦૨૩માં મુંબઈમાં ૧૦ સ્થળો પર દરોડા પાડ્યા હતા. તે સમયે ઇડીએ ૬૨ લાખ ૬૧ હજાર રૂપિયાની રોકડ અને ઘરેણાં જપ્ત કર્યા હતા