દુબઇથી ડિપોર્ટ કરાયેલા ડ્રગ પેડલરનો ચોંકાવનારો ખુલાસો: રેવ પાર્ટીઝમાં સેલિબ્રિટીઝને ડ્રગ્સ આપતો

મુંબઈ: સાંગલીમાં ફેક્ટરીમાંથી 252 કરોડના ડ્રગ્સની જપ્તીના કેસમાં દુબઇથી ડિપોર્ટ કરાયેલા આરોપી મોહંમદ સલીમ મોહંમદ સુહેલ શેખે પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મોહંમદ સલીમ શેખે પૂછપરછમાં જણાવ્યું હતું કે તે ફિલ્મ અને ફેશન સેલિબ્રિટીઝ તથા ગેન્ગસ્ટરો માટે દેશ-વિદેશમાં રેવ પાર્ટીઝનું આયોજન કરતો હતો અને તેમને મેફેડ્રોન તથા અન્ય સિન્થેટિક ડ્રગ્સ પણ સપ્લાય કરતો હતો.
મોહંમદ સલીમ શેખને ઑક્ટોબર, 2025માં દુબઇથી ડિપોર્ટ કરીને મુંબઇ લાવવામાં આવ્યો હતો અને તે હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ઘાટકોપર યુનિટની કસ્ટડીમાં છે.
પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે મોહંમદ સલીમે પૂછપરછમાં જણાવ્યું હતું કે તે દેશ-વિદેશમાં ડ્રગ્સની પાર્ટીઝનું આયોજન કરતો હતો, જેમાં ફેશન અને ફિલ્મ સેલિબ્રિટીઝ હાજર રહેતી હતી. એ સિવાય અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ભાણેજ અલીશાહ પારકર પણ તેમાં હાજર રહેતો હતો. પાર્ટીઝમાં સામેલ લોકોને મોહંમદ સલીમ ડ્રગ્સ પૂરું પાડતો હતો.
મોહંમદ સલીમે પૂછપરછમાં બોલીવૂડના અમુક કલાકારો, ફિલ્મમેકર સહિત સોશિયલ મીડિયા પર્સનાલિટીના નામ પણ આપ્યાં હતાં, જેમના નિવેદન નોંધાવવા માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ હવે તેમને સમન્સ જારી કરશે, એવું કહેવાય છે.
આ પણ વાંચો: દાઉદ સાથે જોડાયેલો પીએમએલએ કેસ: નવાબ મલિકના પરિવાર દ્વારા સંચાલિત…
અત્રે ઉલ્લેખનીય છે કે મોહંમદ સલીમને દુબઇમાં સિસ્ટર એજન્સીઓ દ્વારા તાબામાં લેવાયો હતો અને બાદમાં તેને ડિપોર્ટ કરીને મુંબઈ લવાયો હતો. મોંઘાં કપડાં, ઘડિયાળો તથા લકઝી કારનો શોક ધરાવતો મોહંમદ સલીમ ડ્રગ કાર્ટેલમાં ‘વૈભવી જીવનશૈલી’ માટે જાણીતો હતો. તે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને તેલંગણા સહિત દેશભરમાં ડ્રગ કાર્ટેલ દ્વારા સ્થાપિત મેફેડ્રોન બનાવવાની ફેક્ટરીઓના સંચાલન માટે જવાબદાર હતો.
દક્ષિણ મુંબઇના ડોંગરી વિસ્તારનો રહેવાસી મોહંમદ સલીમ છેલ્લાં ત્રણ વર્ષથી દુબઇમાં રહેતો હતો. અગાઉ તે સલીમ ડોલા સાથે કેટરિંગનો વ્યવસાય ચલાવતો હતો. ઑગસ્ટ, 2020માં તે દેશ છોડી જતો રહ્યો હતો.



