આમચી મુંબઈમહારાષ્ટ્ર

સોલાપુરમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

રૂ. ૧૦૦ કરોડનો કાચો માલ જપ્ત: બે ભાઇની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાકીનાકા પોલીસે નાશિકના શિંદે ગાંવમાં ડ્રગ્સની ફેક્ટરી પકડી પાડ્યા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે હવે સોલાપુરમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ખાર વિસ્તારમાં ડ્રગ્સ સાથે બે ભાઇ પકડાયા બાદ તેમની તપાસ પોલીસને સોલાપુરની ફેક્ટરી સુધી દોરી ગઇ હતી. પોલીસ રૂ. ૧૬ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઉપરાંત ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવા માટે વપરાતો રૂ. ૧૦૦ કરોડનો કાચો માલ જપ્ત કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીની ઓળખ રાહુલ કિસન ગવળી (૩૨) અને અને અતુલ કિસન (૩૨) ગવળી તરીકે થઇ હોઇ સ્થાનિક કોર્ટે બંનેને ૧૯ ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. બંને ભાઇ સોલાપુર જિલ્લાના શિવાજીનગરના રહેવાસી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ના ઇન્ચાર્જ દયા નાયકને માહિતી મળી હતી કે ખાર પશ્ચિમમાં કાર્ટર રોડ પર બે શખસ ડ્રગ્સ સાથે આવવાના છે. આથી પોલીસ ટીમે સ્મશાનભૂમિની પાછળ મેદાન નજીક છટકું ગોઠવીને બંને ભાઇને તાબામાં લીધા હતા. બંને પાસેથી રૂ. ૧૦.૧૭ કરોડનું પાંચ કિલોથી વધુનું મેફેડ્રોન મળી આવ્યું હતું. આથી બંને ભાઇ સામે ખાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

દરમિયાન બંને ભાઇની પૂછપરછ કરવામાં આવતાં તેમણે સોલાપુરમાં ચિંચોલી એમઆઇડીસી ખાતે મેફેડ્રોન બનાવતી ફેક્ટરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્યાર બાદ ફેક્ટરીમાં પહોંચી હતી, જ્યાં રૂ. છ કરોડનું મેફેડ્રોન તથા મેફેડ્રોન બનાવવા માટે વપરાતો રૂ. ૧૦૦ કરોડની કિંમતનો કાચો માલ મળી આવ્યો હતો. પોલીસે કાચો માલ તેમ જ મેફેડ્રોન જપ્ત કરીને ફેક્ટરીને સીલ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર બંને ભાઇએ ૧૦મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. અગાઉ તેઓ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા હતા. જોકે આઠથી દસ મહિના પહેલાં તેમણે સોલાપુરમાં ભાડા પર ફેક્ટરી લીધી હતી, જ્યાં તેઓ ડ્રગ્સ બનાવવા લાગ્યા હતા. તેઓ મેફેડ્રોનનો પુરવઠો જાતે જ કરતા હતા, એવું તપાસમાં જાણવા મળ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hazi Mastanએ કેમ કર્યા Sona સાથે નિકાહ દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો? Mahashivratriએ શિવલિંગ પર શું ચડાવશો?