નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરીનો પર્દાફાશ: ૩૦૦ કરોડનું મેફેડ્રોન જપ્ત
મુંબઈ-થાણે- હૈદરાબાદથી ૧૨ આરોપી પકડાયા: રિવોલ્વર અને કારતૂસો પણ હસ્તગત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાકીનાકામાંથી નશીલા પદાર્થ સાથે પકડાયેલા ડ્રગ્સ તસ્કરની તપાસ પોલીસને છેક નાશિકની ડ્રગ્સ ફૅક્ટરી સુધી દોરી ગઈ હતી. આ કેસમાં સાકીનાકા પોલીસે ૩૦૦ કરોડ રૂપિયાથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી મુંબઈ-થાણે અને હૈદરાબાદથી ૧૨ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી દેશી રિવોલ્વર અને કારતૂસો પણ મળી આવી હતી.
ઝોન-૧૦ના ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તા નલાવડેએ જણાવ્યું હતું કે સાકીનાકા વિસ્તારમાં ડ્રગ્સ વેચવામાં આવતું હોવાની માહિતી સાકીનાકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ આદિત્ય જાધવને મળી હતી. માહિતીને આધારે પોલીસે ઑગસ્ટના પ્રથમ પખવાડિયામાં અન્વર અફસર સૈયદ (૪૨)ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી અમુક માત્રામાં મેફેડ્રોન (એમડી) મળી આવ્યું હતું.
ડ્રગ્સ વિરોધી કાર્યવાહી આટલેથી અટકાવી દેવાને બદલે પોલીસે બારીક તપાસ હાથ ધરી આખી ચેઈન પકડી પાડી હતી. એક પછી એક ૧૨ જેટલા આરોપીને લૉકઅપભેગા કરી પોલીસ નાશિક રોડ સ્થિત શિંદે ગાંવમાં શિંદે એમઆઈડીસીના પ્લૉટ નંબર-૩૫ ખાતે ધમધમતી એક ફૅક્ટરી સુધી પહોંચી હતી. આ ફૅક્ટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરી તેને દેશઆખામાં સપ્લાય કરવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે અન્વરની તપાસમાં જાણવા મળ્યું હતું કે મુંબઈના ધારાવી વિસ્તારમાં એમડી મોટા પ્રમાણમાં સપ્લાય થાય છે અને ત્યાંથી મુંબઈના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ પેડલરો મારફત એમડી પહોંચાડવામાં આવે છે. ધારાવીમાંથી છ જણની ધરપકડ કરી તેમની પાસેથી પણ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
ધારાવીમાંથી પકડાયેલા આરોપીઓની પૂછપરછ પછી પોલીસની ટીમે હૈદરાબાદથી આરીફ શેખ (૪૨)ને તાબામાં લીધો હતો. તેની પાસેથી ડ્રગ્સની સાથે દેશી રિવોલ્વર અને સાત જીવંત કારતૂસ મળી આવી હતી. આરીફની પૂછપરછ પછી પોલીસે દક્ષિણ મુંબઈના જે. જે. પરિસરમાંથી નાસીર ઉમર શેખ ઉર્ફે ચાચા (૫૮) અને કલ્યાણથી રેહાન અન્સારી (૨૬)ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ૧૬ કિલો એમડી જપ્ત કરાયું હતું.
રેહાને પોલીસને નાશિકના ઝિશાન શેખ (૩૪)ની માહિતી આપી હતી. નાશિક રોડ ખાતેથી પકડાયેલા ઝિશાને પોલીસને ડ્રગ્સ ઉત્પાદન કરતી ફૅક્ટરીની માહિતી આપી હતી. પોલીસે ફૅક્ટરીમાં રેઇડ કરી ૧૩૩ કિલો એમડી જપ્ત કર્યું હતું. એ સિવાય મશીનરી અને અન્ય સાધનો પણ તાબામાં લેવાયાં હતાં. આ કેસમાં કુલ ૧૫૧ કિલો એમડી જપ્ત કરાયું હતું, જેની કિંમત અંદાજે ૩૦૦ કરોડ ૨૬ લાખ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.