(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) ઈન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી અંદાજે 100 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું હતું. મુંબઈના ઍરપોર્ટ પરથી પકડાયેલી બે વિદેશી મહિલાની પૂછપરછ પછી અધિકારીઓએ આ સિન્ડિકેટના માસ્ટરમાઈન્ડને દિલ્હીથી તેના સાથીદાર સાથે પકડી પાડ્યો હતો.
ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલી મહિલા ઈથિયોપિયન ઍરલાઈનની ફ્લાઈટથી મુંબઈ આવી રહી હોવાની માહિતી ડીઆરઆઈના અધિકારીને મળી હતી. માહિતીને આધારે અધિકારીઓએ શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતે છટકું ગોઠવી અદિસ અબાબાથી આવેલી મહિલા ગિના જી. રહાયુને આંતરી હતી.
મહિલાના સામાનની તપાસમાં શંકાસ્પદ કોઈ વસ્તુ મળી નહોતી. જોકે તેની ટ્રોલી બૅગનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં તેમાં છૂપું ખાનું હોવાનું જણાયું હતું. આ ખાનામાંથી સફેદ પાઉડર મળી આવ્યો હતો, જે કોકેઈન હોવાનું તપાસમાં જણાયું હતું. મહિલા પાસેથી અંદાજે 50 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કરાયું હતું.
પકડાયેલી ગિનાની પૂછપરછ પછી અધિકારીઓએ રવિવારે અદિસ અબાબાથી જ આવેલી બીજી મહિલાને પણ તાબામાં લીધી હતી. બન્ને મહિલા ડ્રગ સિડિન્કેટ સાથે સંકળાયેલી હોવાનું તપાસમાં જણાયું હતું. બન્ને મહિલા પાસેથી 10 કિલો કોકેઈન જપ્ત કરાયું હતું, જેની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મહિલાઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જપ્ત કરાયેલું કોકેઈન દિલ્હીમાં આ સિન્ડિકેટના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચાડવાનું હતું. માહિતીને આધારે ડીઆરઆઈની એક ટીમ મુંબઈમાં તપાસ કરી રહી હતી, જ્યારે બીજી ટીમ દિલ્હી રવાના થઈ હતી. આ સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ નાઈજીરિયન નાગરિક હોવાની ખાતરી થઈ હતી. સ્થાનિક પોલીસની મદદથી ડીઆરઆઈના અધિકારીઓએ ગ્રેટર નોઈડામાં છટકું ગોઠવી માસ્ટરમાઈન્ડને ઓળખી કાઢ્યો હતો.
અધિકારીઓને જોઈ નાઈજીરિયન હિંસક બન્યો હતો અને અધિકારીઓ પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો. અધિકારીઓએ ફિલ્મી ઢબે પીઢો કરી નાઈજીરિયન નાગરિક અને તેના સાથીને પકડી પાડ્યો હતો. આ સિન્ડિકેટનું જાળું ઈથિયોપિયા, શ્રીલંકા અને નાઈજીરિયામાં પણ ફેલાયેલું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.
