આમચી મુંબઈ

ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ચૈત્યભૂમિ ખાતે માનવ મહેરામણ ઉમટ્યો

મુંબઇઃ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજે 68મી પુણ્યતિથિ છે. ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના 68મા મહાપરિનિર્વાણ દિવસ પર અભિવાદન કરવા દેશભરમાંથી લાખો અનુયાયીઓ દાદરની ચૈત્યભૂમિ પર આવ્યા છે.

સમાજ સુધારક, અર્થશાસ્ત્રી, બૌદ્ધિક, રાજકારણી અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી ભીમરાવ રામજી આંબેડકરે 6 ડિસેમ્બર, 1956ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ 6 ડિસેમ્બરનો દિવસ દેશભરમાં મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઓળખાય છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે 1 ડિસેમ્બરથી લાખો અનુયાયીઓ મુંબઈમાં તેમના સમાધિ સ્થળ ચૈત્યભૂમિ વિસ્તારમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે. લાખો અનુયાયીઓએ ચૈત્યભૂમિ સ્તૂપમાં મુકવામાં આવેલ આંબેડકરના પૂતળા અને અસ્થિ કળશને શ્રદ્ધાંજલિ આપી હતી અને બાબાસાહેબના દર્શન કર્યા હતા.

દર વર્ષે ડૉ. બાબાસાહેબ આંબેડકરના લાખો અનુયાયીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઇના દાદર ખાતેના ચૈત્યભૂમિ વિસ્તારમાં આવે છે. મુંબઈ મહાનગરપાલિકાએ બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ માટે વિવિધ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડી છે. મહિલાઓ માટે અલગ ગુલાબી શૌચાલય, સ્તનપાન કરાવનારી માતાઓ માટે હિરાકણી રૂમ, તમામ અનુયાયીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રિવર્સ ઓસ્મોસીસ (RO) પ્લાન્ટ, વધારાના શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

આ સાથે સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ખાસ તકેદારી પણ રાખવામાં આવી છે. આ વર્ષે શૌચાલયની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે આ ઉપરાંત 530 પીવાના પાણીના નળ, 70 પાણીના ટેન્કર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇનમાં ઉભેલા અનુયાયીઓને પીવાના પાણીની બોટલ અને બિસ્કીટ પણ આપવામાં આવી રહ્યા છે અને તેમના માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button