દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપવા બદલ પતિ, સાસરિયાં વિરુદ્ધ ગુનો

થાણે: દહેજ માટે પુત્રવધૂને શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ પતિ તથા સાસરિયાં સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદી મહિલાનાં માતા-પિતા નવી મુંબઇના ખારઘર વિસ્તારમાં રહે છે. મહિલાએ તેના પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ 14 જુલાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ અનુસાર હરિયાણાના અંબાલા ખાતેના ઘરમાં મહિલા પર જુલાઇ, 2019થી માર્ચ, 2025 દરમિયાન પતિ અને સાસુ-સસરા દ્વારા ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કોણ કહે છે દહેજની સમસ્યા નથી?: પુધવધૂને ફીનાઈલ પિવડાવી દેવાનો કિસ્સો નોંધાયો
મહિલાનાં માતા-પિતાએ આપેલા છ તોલાના દાગીના આરોપીઓએ છીનવી લીધા હતા. ઉપરાંત તેમણે મહિલાનાં પરિવાર પાસેથી ત્રણ લાખ રૂપિયા પણ લીધા હતા. વધુમાં નવું ઘર તથા ઓફિસ ખરીદવા માટે મહિલાની માતાએ આરોપીઓને 84 લાખ રૂપિયા આપ્યા હતા.
જોકે આરોપીઓ વધુ પૈસાની માગણી કરી રહ્યા હતા અને તે ન મળતાં તેમણે મહિલાને શારીરિક-માનસિક ત્રા આપ્યો હતો.
ખારઘર પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે તેના 35 વર્ષના પતિ, 60 વર્ષની સાસુ અને 72 વર્ષના સસરા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)