પાલઘરમાં ડબલ મર્ડર: સાઇકો કીલરે કુહાડીથી બે ભાઈની હત્યા કરી કાદવના ખાડામાં છુપાઈ ગયો
પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ડબલ મર્ડરની ઘટનાથી વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. એક સાઇકો કીલરે બે ભાઈની કુહાડી વડે મારીને તેમની હત્યા કર્યા બાદ વધુ એક વ્યક્તિના ઘરે જઈને તેના પર પણ હુમલો કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. એક અધિકારીએ કહ્યું હતું કે આ સાઇકો કીલરના હુમલા દરમિયાન ગામના લોકોએ હોબાળો મચાવતા આરોપી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. આ સાઇકો કીલરની અટક કરવા માટે 150 પોલીસ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન તે જંગલના એક તળાવમાં છુપાઈને બેઠો હોવાની માહિતી પોલીસને મળતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
પાલઘર જિલ્લાના તારાપુરમાં કૂડન ગામમાં અનેક દિવસોથી એક વ્યક્તિ ફરી રહ્યો હતો. આ યુવાન માનસિક રીતે અસ્વસ્થ હતો જેથી તેના પર કોઈએ પણ ધ્યાન આપ્યું નહોતું. આ બાબતે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ગુરુવારે રાતે 9.30 વાગ્યાની આસપાસ માનસિક રીતે અસ્વસ્થ યુવાને અચાનકથી એક વૃદ્ધ પર કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધનું મૃત્યુ થતાં આરોપી મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો. આ દરમિયાન મૃત વૃદ્ધના ભાઈ ઘટના સ્થળે પહોંચતા આરોપીએ તેમના પર પણ હુમલો કર્યો હતો, જેમાં તેમનું પણ મૃત્યુ થયું હતું.
સૂત્રોએ માહિતી આપી હતી કે આ ઘટનામાં મૃત્યુ થનારનું નામ ભીમરાવ અને મુકુંદ પાટીલ છે. આ બંને વ્યક્તિ પર હુમલો કર્યા બાદ આરોપી બીજા એક વ્યક્તિના ઘરે જઈને તેના પર પણ હુમલો કર્યો હતો. આ ઘટના દરમિયાન પીડિતના પરિવારે હોબાળો મચાવતા આરોપી ઘટના સ્થળેથી ભીડ અને અંધારાનો ફાયદો ઉઠાવી ભાગી છૂટ્યો હતો અને તે ગામની બહાર આવેલા એક કાદવમાં છુપાઈને બેસી ગયો હતો. ગામના રહેવાસીઓએ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ 150 જેટલા અધિકારીઓને બોલાવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ આરોપી કાદવમાં છુપાયો હોવાની જાણ થતાં પોલીસે તેને ખેંચીને બહાર કાઢી તાબામાં લીધો હતો.
આરોપી સામે એફઆઇઆર નોંધી આગળની તપાસ શરૂ કરવા પહેલા તેની મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. આ આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી હત્યાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. આ ડબલ મર્ડરને લઈને ગામના લોકોમાં આક્રોશ વધતાં તેમણે પોલીસ સ્ટેશનની આસપાસ ભારે ભીડ કરી હતી. આ દરમિયાન લોકોને પોલીસે કોઈ પણ અફવા ન ફેલાવવા અને તેના પર વિશ્વાસ ન કરવાની અપીલ લોકોને કરી હતી. આરોપી સામે કડક કાર્યાવહી કરવામાં આવશે, એવું વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું.