આમચી મુંબઈ

‘મુંબઈને દિલ્હી ન બનાવો’ ત્રણ નહીં, ફક્ત બે કલાક ફટાકડા ફોડવા માટે હાઈકોર્ટનો આદેશ

કાટમાળના પરિવહન પર પણ ૧૯મી સુધી પ્રતિબંધ યથાવત્

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે રાત્રે આઠ થી ૧૦ વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડવાની મંજુરી આપી છે અને કહ્યું છે કે પ્રદૂષણના મામલે મુંબઈ દિલ્હી ન બનવું જોઈએ. મુંબઈ સહિત એએમઆર વિસ્તારમાં દિવાળી દરમિયાન રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી માત્ર બે કલાક માટે ફટાકડા ફોડવાની પરવાનગી હશે, ત્રણ કલાક માટે નહીં.
બાંધકામ સ્થળોએથી કાટમાળના પરિવહન પર ૧૯ નવેમ્બર સુધી પ્રતિબંધ યથાવત્ છે. પાલિકા દ્વારા પ્રતિબંધ હટાવવાની માગને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે એમ પણ કહ્યું છે કે પ્રદૂષણ ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા માર્ચ ૨૦૨૩માં જાહેર કરાયેલા નિયમોનો કડકપણે અમલ કરવામાં આવશે.

સ્પેશિયલ કમિટીની નિમણૂક કરી

વાયુ પ્રદૂષણ માટે જવાબદાર ચોક્કસ કારણો શું છે? આના અભ્યાસ માટે હાઈ કોર્ટે એક સમિતિની નિમણૂક કરી છે. કમિટી દર અઠવાડિયે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. તેમજ, એમએમઆર વિસ્તારની તમામ નગરપાલિકાઓની સમિતિ, આયોજન પ્રણાલીને દૈનિક પ્રગતિ અહેવાલો સબમિટ કરવામાં આવશે. આ અંગે કોર્ટે સ્પષ્ટતા પણ કરી છે. સત્તાવાળાઓએ એકસાથે આવવાની જરૂર છે અને બગડતી હવાની ગુણવત્તાની સ્થિતિને પહોંચી વળવા પગલાં ભરવાની જરૂર છે. બધું કાગળ પર છે; પરંતુ વાસ્તવિકતા જુદી છે, એમ કોર્ટે જણાવ્યું હતું. સત્તાધીશોના ઇરાદા પર અમને શંકા નથી. જો કે, કોર્ટેકહ્યું કે એ પણ સાચું છે કે કાર્યવાહી નથી થઈ રહી. જો કે એક્શન પ્લાન અને અન્ય માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, કોર્ટે નોંધ્યું છે કે નબળા અથવા અપૂરતા અમલીકરણને કારણે હવાની ગુણવત્તા નબળી છે.

કોરોના કાળ જેવો જ સહયોગ અપેક્ષિત: પાલિકા કમિશનર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસરૂપે દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનો સમય ઘટાડી નાખવામાં આવ્યો છે. દિવાળીમાં હવે રાતના ફક્ત બે કલાક જ ફટાકડા ફોડી શકાશે. અગાઉ સાતથી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી હતી, તે સમયમાં હાઈ કોર્ટે ઘટાડો કરી નાંખ્યો છે અને હવે રાતના ફ્ક્ત આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
હવામાનમાં થતા ફેરફારને કારણે ઍર પૉલ્યુશન વધી ગયું છે, તેને ધ્યાનમાં રાખીને તેના પર નિયંત્રણ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આકરી ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, તેના ભાગરૂપે દિવાળીના તહેવારમાં રાતના ફક્ત આઠથી દસ વાગ્યા સુધીના સમયગાળામાં જ ફટાકડા ફોડી શકાશે. શુક્રવારે મુંબઈ હાઈ કોર્ટે તે મુજબનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટેના આદેશનું પાલન તમામ મુંબઈગરાએ કરવું અને ઓછામાં ઓછું વાયુ અને ધ્વની પ્રદૂષણ કરનારા ફટાકડા ફોડવા એવી અપીલ પાલિકા કમિશનર અને પ્રશાસક ડૉ. ઈકબાલસિંહ ચહલે કરી હતી.
મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારમાં ફટાકડા ફોડવાના સમય પરનો પ્રતિબંધ હાઈ કોર્ટે વધારી દીધો છે. હવે ફક્ત રાતના આઠથી દસ વાગ્યા સુધીના સમયમાં ફટાકડા ફોડી શકાશે, તે પણ ઓછું પ્રદૂષણ કરનારા ફટાકડા જ ફોડવાના રહેેશે. મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રદૂષણના મુદ્દા પર હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. હવાની ગુણવત્તા સુધરી નહીં તો દિવાળીના તહેવારમાં મુંબઈમાં બાંધકામ પર પ્રતિબંધ મૂકવાની ચેતવણી પણ હાઈ કોર્ટે આપી હતી. જોકે શુક્રવારે સુનાવણી દરમિયાન કોર્ટે ફટાકડા ફોડવાની આપેલી સમયમર્યાદાને ઘટાડી દીધી હતી.
પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે શુક્રવારે કહ્યું હતું કે વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર અને તે સાથે જ મુંબઈમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા બાંધકામને કારણે ઉડનારી ધૂળ અને અન્ય કારણથી વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે. પ્રદૂષણને ઘટાડવા માટેેે તમામ ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ આ કાર્યવાહીને ફક્ત સરકારી કામકાજ પૂરતી નહીં રાખતા તેને હવે લોકચળવળનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પાલિકાએ પણ પ્રદૂષણ ઘટાડવા માટે મુખ્ય કારણ ગણાતી ધૂળ વધુ માત્રામાં ફેલાય નહીં તે માટે અનેક પગલાં લીધા છે. પરંતુ નાગરિકોએ પણ પ્રદૂષણ ઘટાડવા માટેની ઝુંબેશમાં જોડાવું જોઈએ, જે અંતર્ગત દિવાળીના તહેવારોમાં ઓછું વાયુ અને ધ્વનિ પ્રદૂષણ કરનારા ફટાકડા ફોડવા જોઈએ. ફટાકડાથી પ્રદૂષિત હવાને કારણે નાના બાળકો, ગર્ભવતી મહિલા, વૃધ્ધ વ્યક્તિ તથા અસ્થમાના દર્દીને આરોગ્યની તકલીફ થઈ શકે છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ શકે છે. તેથી શક્ય તો લોકોએ ફટાકડા ફોડતા સમયે ઓછું પ્રદૂષણ થાય તેનું ધ્યાન રાખવું.
કોવિડ મહામારી સમયગાળામાં પણ મુંબઈ મહાનગરપાલિકાની વિનંતીને કારણે મુંબઈગરાએ ફટાકડા ફોડવાનું ટાળ્યું હતું. નાગરિકોએ કોવિડ સમયે બહુ સારો પ્રતિસાદ આપ્યો હતો. તે મુજબ આ વર્ષે પણ વધતા ઍર પોલ્યુશનને ધ્યાનમાં રાખીને મુંબઈગરા દિવાળીનો તહેવાર ઉજવશે એવું કમિશનરે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button